સલમાન પર બાયોપિક ફિલ્મ બનાવવી ઘણું વહેલું કહેવાય, એ હજી ઘણો યુવાન છેઃ વરુણ ધવન

મુંબઈ – બોલીવૂડ યુવા અભિનેતા વરુણ ધવનનું માનવું છે કે સુપરસ્ટાર સલમાન ખાનના જીવન પરથી બાયોપિક ફિલ્મ બનાવવી એ ઘણું વહેલું કહેવાશે. જોકે વરુણે મજાકમાં એમ પણ કહ્યું કે જો ફિલ્મ બનાવવી જ હોય તો એમાં સલમાનનું પાત્ર સલમાન જ બેસ્ટ રીતે ભજવી શકે.

ઉલ્લેખનીય છે કે, સલમાન ખાનને કાળિયાર શિકાર કેસમાં જોધપુરની અદાલતે ગયા શનિવારે જામીન પર છોડ્યો છે. સલમાન બે દિવસ સુધી જોધપુર સેન્ટ્રલ જેલમાં વિતાવ્યા બાદ એ જ રાતે મુંબઈ પાછો ફર્યો હતો. મુંબઈમાં બાન્દ્રા સ્થિત એના નિવાસસ્થાને એને આવકારવા માટે એના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. આજે રવિવારે પણ સલમાનને મળવા માટે એના ઘેર અનેક ફિલ્મી સિતારાઓની વણજાર જોવા મળી હતી.

વરુણે એક મુલાકાતમાં કહ્યું કે, મને બેહદ ખુશી થઈ છે કે સલમાન ઘેર પાછો આવી ગયો છે. હું ગઈ કાલે જ એને મળવા ગયો હતો અને એને મળીને મને ખૂબ જ આનંદ થયો હતો.

 

બાવન વર્ષીય સલમાન પર બાયોપિક બનાવવામાં આવે તો તું એનો રોલ ભજવવા માટે પરફેક્ટ ચોઈસ ગણાય એવું ઘણા લોકોનું માનવું છે એવું પૂછતાં વરુણે કહ્યું કે સલમાન હજી ઘણો યુવાન છે. અત્યારે એની પર બાયોપિક બનાવાય નહીં. વળી, સલમાન પોતે જ એની બાયોપિકમાં પોતાનો રોલ ભજવવા માટે બેસ્ટ ગણાશે.

વરુણની નવી ફિલ્મ આવી રહી છે ‘ઓક્ટોબર’. એમાં તેની હીરોઈન બની છે નવોદિત અભિનેત્રી બનિતા સંધુ. ફિલ્મ 13 એપ્રિલે રિલીઝ થવાની છે.