ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરનું મૃત્યુ; આત્મહત્યાની શંકા

ઈન્દોરઃ હિન્દી ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’ની અભિનેત્રી વૈશાલી ઠક્કરનું ઈન્દોરમાં તેનાં નિવાસસ્થાને આજે નિધન થયું છે. એ 29 વર્ષની હતી. વૈશાલીએ આત્મહત્યા કરી હોવાનું મનાય છે. પોલીસ સ્ટેશનમાં આ અંગે કેસ નોંધવામાં આવ્યો છે. ઈન્દોર પોલીસે કહ્યું કે શહેરના સાઈ બાગ વિસ્તારમાં આવેલા વૈશાલીનાં ફ્લેટમાંથી આજે સવારે એનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસનો દાવો છે કે ઘટનાસ્થળેથી આત્મહત્યાની નોંધ મળી આવી છે. એ નોંધ વૈશાલીનાં મોબાઈલ ફોનમાં જોવા મળી છે. જોકે એ નોંધમાં શું લખ્યું છે તેની વિગત પોલીસે જાહેર કરી નથી. વૈશાલીનાં પિતાએ આજે વહેલી સવારે એનાં રૂમમાં દીકરીને ગળાફાંસો ખાધેલી, લટકતી હાલતમાં જોઈ હતી. એમણે તરત જ પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો અને તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

વૈશાલીએ ‘સસુરાલ સિમર કા’માં અંજલિ ભારદ્વાજનાં રોલ ઉપરાંત સ્ટાર પ્લસની સિરિયલ ‘યે રિશ્તા ક્યા કેહલાતા હૈ’ (સંજનાની ભૂમિકામાં) અને ‘સુપર સિસ્ટર્સ’ સિરિયલમાં પણ અભિનય કર્યો હતો. 2016માં એણે ‘યહ હૈ આશિકી સિરિયલ’માં વૃંદાનો રોલ કર્યો હતો. છેલ્લે એ ‘રક્ષાબંધન’ શોમાં કનક સિંહ ઠાકુર તરીકે જોવા મળી હતી.

વૈશાલીનાં માતા-પિતા ઉજ્જૈનનાં વતની છે. તેઓ છેલ્લા દોઢેક વર્ષથી એમની પુત્રી સાથે ઈન્દોરમાં રહેતાં હતાં. વૈશાલીએ 2021નાં એપ્રિલમાં કેન્યાસ્થિત સર્જન ડો. અભિનંદન સિંહ સાથે સગાઈ કરી હતી. એનો એક વીડિયો પણ તેણે એનાં ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જોકે બાદમાં એણે તે ડીલીટ કર્યો હતો અને તે પછી એણે તેનાં ફિયાન્સ વિશે કંઈ પણ પોસ્ટ કરવાનું બંધ કરી દીધું હતું. એને કારણે શંકા ગઈ હતી કે એની અંગત લવ-લાઈફમાં કંઈક મુશ્કેલી છે.