નવી દિલ્હીઃ મશહૂર ટીવી શો ‘તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા’ના લોકપ્રિય ટીવી એક્ટર ઘનશ્યામ નાયક ઉર્ફે નટુ કાકાએ પોતે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોવાના અહેવાલોને ફગાવી દીધા હતા. સોશિયલ મિડિયા પરની અફવાઓને નકારી કાઢતાં નટુ કાકાએ સ્પષ્ટતા કરી હતી કે મેં આ શોમાંથી કોઈ વિરામ લીધો નથી અને હું બેરોજગાર પણ નથી થયો, પણ કોરોના વાઇરસની સ્થિતિ નિયંત્રણમાં આવ્યા પછી તરત તેઓ અને સિરિયલ સાથે જોડાયેલા બધા કલાકારો સિરિયલના શૂટિંગમાં સેટ પર પરત ફરશે.
હાલ ‘તારક મહેતા કા ઊલટા ચશ્માં’નું શૂટિંગ વાપીમાં ચાલી રહ્યું છે અને ઘનશ્યામ નાયક સિરિયલના અન્ય સિનિયર સભ્યો સાથે વાપીમાં શૂટિંગ કરવા નથી ગયા, જેથી તેમના વિશે અફવા ઊડી હતી કે તેઓ બેરોજગાર થયા છે. પોતાના વિશે સોશિયલ મિડિયા પર બેરોજગાર થવાની અફવા ઊડ્યા બાદ ઘનશ્યામ નાયકે ખુલાસો કરતાં કહ્યું હતું કે મેં શોમાંથી બ્રેક નથી લીધો, હું સમજી નથી શકતો કે લોકો આટલું બધું નકારાત્મક કેમ વિચારે છે? હાલ મહારાષ્ટ્રમાં વધતા કોરોના વાઇરસના કેસોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સિનિયર સિટિઝન્સને ઘરમાં રહેવાની સલાહ આપી છે, જેથી હું હાલ ઘરે જ છું, એમ તેમણે કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે અમે દરેક પ્રકારની સાવધાનીઓ રાખી રહ્યા છીએ, સિરિયલના નિર્માતાએ અમારા ભલા માટે આવું પગલું ભર્યું છે. મને લાગે છે કે તેમનો આ નિર્ણય બરાબર છે. બધું સમુંસૂતર થતાં જ હું પાછો જલદી શૂટિંગમાં પાછો ફરીશ.