દુઃખી માતા, સેલિબ્રિટીઓની હાજરીમાં તુનિશા શર્માનાં અંતિમસંસ્કાર

મુંબઈઃ ગયા શનિવારે ટીવી સિરિયલના સેટ પર કથિતપણે આત્મહત્યા કરનાર 20 વર્ષીય અભિનેત્રી તુનિશા શર્માનાં આજે બપોરે અહીં તેનાં માતા, અન્ય પરિવારજનો, મિત્રો તથા મનોરંજન ક્ષેત્રની હસ્તીઓની હાજરીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તુનિશાનાં મૃતદેહને આજે બપોરે લગભગ ત્રણ વાગ્યે હોસ્પિટલમાંથી ભાયંદર (પૂર્વ)સ્થિત તેનાં નિવાસસ્થાને લઈ જવામાં આવ્યો હતો. બાદમાં અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. મૃતદેહને મીરા રોડ (પૂર્વ)સ્થિત સ્મશાનભૂમિ ખાતે લઈ જઈ ત્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશાનભૂમિ ખાતે કંવર ધિલોન, શિવિન નારંગ, વિશાલ જેઠવા, અશનૂર કૌર, અવનીત કૌર સહિત તુનિશાનાં કેટલાંક સહ-કલાકારો ઉપસ્થિત રહ્યાં હતાં.

તુનિશા માટે માટે મૂકી ગઈ છે 15 કરોડની પ્રોપર્ટી

તુનિશાનાં પરિવારમાં એકમાત્ર તેની માતા છે. તુનિશાનાં પિતાનું વર્ષો પહેલાં નિધન થયું હતું. તુનિશા કમાઉ દીકરી હતી. એનાં નિધનથી એની માતા પર જાણે આભ તૂટી પડ્યું છે. તુનિશા એની માતા માટે રૂ. 15 કરોડની કિંમતની પ્રોપર્ટી તથા મુંબઈમાં એક લક્ઝરિયસ ફ્લેટ મૂકી ગઈ છે.