સત્ય ઘટના આધારિત ફિલ્મ ‘200-હલ્લા હો’નું ટ્રેલર રિલીઝ

નવી દિલ્હીઃ G5એ આગામી ફિલ્મ ‘200-હલ્લા હો’નું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. ‘200-હલ્લા હો’ એક સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે, જેણે દેશને હલબલાવી દીધો હતો. આ ફિલ્મમાં હિન્દી સિનેમાના વેટરન એક્ટર અમોલ પાલેકર, વરુણ સોબતી અને રિન્કુ રાજગુરુ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ફિલ્મને સાર્થક દાસગુપ્તાએ ડિરેક્ટ કરી છે.

આ ફિલ્મનું ટ્રેલર વર્ચ્યુઅલ ઇવેન્ટમાં જારી કરવામાં આવ્યું હતું.. ‘200-હલ્લા હો’ એક બહુ ગંભીર મુદ્દો ઉઠાવે છે. આ ઘટના કેટલાકં વર્ષો પહેલાંની છે, જ્યારે 200 દલિત મહિલાઓએ એકજુટ થઈને એક રીઢા બળાત્કારીને ખીચોખીચ કોર્ટમાં મારી-મારીને કાયદો અને ન્યાય પોતાના હાથમાં લીધો હતો.

આ ફિલ્મના લેખક અને ડિરેક્ટર સાર્થક દાસગુપ્તા કહે છે, આ ફિલ્મ એ દલિત મહિલાઓ વિશે છે, જેમણે સામાજિક રીતે હાંશિયામાં રહેલા, પ્રતાડિત અને અપમાનિત થવા છતાં પોતાનું જીવન બરબાદ કરનાર વ્યક્તિને દંડ આપવા માટે કાયદો પોતાના હાથમાં લેવો પડ્યો હતો. એ દલીલને ઉજાગર કરે છે કે તે યોગ્ય હતી કે ખોટી હતી. મને આશા છે કે એ સામાજિક બદલાવને અવાજ આપશે, જેની સમાજને જરૂર છે.

આશરે એક દાયકા પછી ફિલ્મોમાં પરત ફરી રહેલા અમોલ પાલેકરે આ વિષયને લઈને કહ્યું હતું કે ફિલ્મોમાં વારંવાર જાતિ વિશે વાત કરતા બચે છે, પણ અમે ફિલ્મોમાં મહિલાઓની પીડિતા હોવાની વાત કરીએ છે. અમે આ ફિલ્મમાં તેમને શક્તિશાળી હોવાની વાત કરી રહ્યા છીએ.અહીં એક સામૂહિક વિરોધની વાત કરી રહ્યા છીએ. ફિલ્મમાં અનેક મુદ્દા ઉજાગર કરવામાં આવ્યા છે, પણ કોઈ ઝંડો ઉઠાવ્યા વિના. આ ફિલ્મમાં સાહિલ ખટ્ટર, સલોની બત્રા, ઇન્દ્રનીલ સેનગુપ્તા અને ઉપેન્દ્ર લિમયે જેવા ઉમદા કલાકાર પણ સામેલ છે.