પાટણનાં વીરાંગના પર આધારિત ગુજરાતી ફિલ્મ ‘નાયિકા દેવી’

મુંબઈઃ 12મી સદીમાં ગુજરાતની ધરતી પર રાજ કરનાર ભારતનાં પ્રથમ વીરાંગના મહારાણી નાયિકા દેવીનાં જીવન પર આધારિત એક ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી રહી છે. ઐતિહાસિક વિષય અને ‘નાયિકા દેવી – ધ વોરિયર ક્વીન’ શીર્ષકવાળી આ ફિલ્મમાં ખુશી શાહ ટાઈટલ ભૂમિકા ભજવવાની છે. ચાલુક્ય વંશનાં રાણી નાયિકા દેવીએ પાટણની ભૂમિ પર વર્ષો સુધી રાજ કર્યું હતું. તેમણે સાલ 1178માં થયેલા યુદ્ધમાં મોહમ્મદ ઘોરીને પરાજિત કર્યો હતો. આ ફિલ્મનું શૂટિંગ હજી શરૂ થયું નથી, પરંતુ ફિલ્મનું ટીઝર ગયા મહિને રિલીઝ કરવામાં આવ્યું હતું.

ખુશી શાહ કહે છેઃ ‘નાયિકા દેવીનો રોલ મને આશ્ચર્યજનક રીતે મળ્યો હતો. નિર્માતા ફિલ્મના શૂટિંગ માટે યોગ્ય પટકથાની શોધમાં હતા અને એમની જાણમાં નાયિકા દેવીની વાર્તા આવી. એમણે મને ફિલ્મની વાર્તા સંભળાવી ત્યારે મને ખૂબ ગમી ગઈ હતી. તે પછી એમણે મને કહ્યું કે નાયિકા દેવીની ભૂમિકા મારે જ ભજવવાની છે. મારાં આશ્ચર્યનો પાર નહોતો રહ્યો. મેં ઓડિશન આપ્યું. નિર્માતાએ કહ્યું કે રોલમાં હું એકદમ ફિટ થાઉં છું.’ ફિલ્મમાં ચિરાગ જાની નાયિકા દેવીનાં પતિના રોલમાં છે. ફિલ્મમાં રાહુલ દેવ, મનોજ જોશી, બિંદા રાવલ, જયેશ મોરે, ચેતન દહિયા, મમતા સોનિયા જેવા અન્ય કલાકારો પણ છે. મોહમ્મદ ઘોરીને પૃથ્વીરાજ ચૌહાણે હરાવ્યો એ પહેલાં પાટણનાં બહાદુર મહારાણી નાયિકા દેવીએ એને ધૂળ ચાટતો કર્યો હતો. નાયિકા દેવી કદમ આજના ગોવાના મહામંડલેશ્વર પરમાનીનાં પુત્રી હતા. નાયિકા દેવીનાં પતિ અજયપાલ સિંહની એમના જ અંગરક્ષકોએ હત્યા કરી હતી. ત્યારે એક પુત્રનાં માતા નાયિકા દેવી પર પાટણનું રાજ સંભાળવાની જવાબદારી આવી પડી. તેઓ યુદ્ધકળામાં પણ પારંગત હતાં. એક વિધવા રાણી પોતાનો શું સામનો કરી શકશે એમ ધારી મોહમ્મદ ઘોરી પોતાના સૈન્ય સાથે ગુજરાત પર ધસી આવ્યો હતો. આબુ નજીકના સ્થળે થયેલા યુદ્ધમાં નાયિકા દેવીની આગેવાની હેઠળનાં લશ્કરે ઘોરીને હરાવ્યો હતો. ઘોરી ખરાબ રીતે ઘાયલ થઈને હાર્યો હતો. તે પછી ઘોરીએ 11 વર્ષ સુધી ભારત પર ચઢાઈ કરવાની હિંમત કરી શક્યો નહોતો.