મુંબઈ – હોલીવૂડના એક્શન-ફિલ્મોના મહારથી ગણાયેલા અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોનની સુપરહિટ ફિલ્મ ‘રેમ્બો’ની દેશી રીમેક બનાવવામાં આવનાર છે. એમાં ટાઈગર શ્રોફ ‘રેમ્બો’ના રૂપમાં જોવા મળશે.
આ ફિલ્મના નિર્માણની થોડાક વખત પહેલાં જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ એ સમયમાં ટાઈગરની ‘બાગી 2’ ફિલ્મ રિલીઝ કરવામાં આવી હતી. એટલે સૌનું ધ્યાન એની પર કેન્દ્રિત થયું હતું. પરિણામે એવી અફવા ઉડી હતી કે દેશી રેમ્બોને અભેરાઈ પર ચડાવી દેવાઈ છે. પરંતુ, હવે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદે એ અફવાનું ખંડન કર્યું છે અને કહ્યું છે કે ફિલ્મને પડતી નથી મૂકાઈ, પણ મુલતવી રાખવામાં આવી છે.
આનું કારણ એ છે કે યશરાજ ફિલ્મ્સ બેનરે એક એક્શન-ડાન્સ ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું છે અને એ માટે એમણે સિદ્ધાર્થ આનંદને જ રોક્યા છે. સિદ્ધાર્થે આ ફિલ્મ માટે ટાઈગર અને ઋતિક રોશનને પસંદ કર્યા છે. ટાઈગર શ્રોફ ઋતિકને પોતાનો આદર્શ માને છે અને એની સાથે ફિલ્મમાં કામ કરવા મળશે એનાથી એ ખૂબ જ ખુશ છે. એણે પણ સિદ્ધાર્થ આનંદને કહ્યું છે કે બની શકે તો પહેલાં ઋતિક સાથેની એની એક્શન-ડાન્સ ફિલ્મ પહેલા બનાવવી જોઈએ અને રેમ્બોની રીમેક બાદમાં.
આમ, દેશી રેમ્બોને પડતી મૂકાઈ નથી એ વાત નક્કી થઈ ગઈ છે, એને માત્ર મુલતવી જ રાખવામાં આવી છે. એનું શૂટિંગ 2019ના મધ્યમાં શરૂ કરવામાં આવશે અને ફિલ્મને 2020માં રિલીઝ કરવાની ધારણા છે.