‘ટાઈમ’ મેગેઝિનની પ્રતિષ્ઠિત યાદીમાં એકમાત્ર ભારતીય છે, બોલીવુડનો આ અભિનેતા

મુંબઈઃ અમેરિકાના ‘ટાઈમ’ મેગેઝિનના પ્રતિષ્ઠિત વાર્ષિક ‘ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ના આ વર્ષના વિજેતાઓની યાદીમાં માત્ર એક જ ભારતીયનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તે એક અભિનેતા છે. તે શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન કે રજનીકાંત નથી, પરંતુ બોલીવુડનો એક અભિનેતા છે. તમે ધારી શકો છો એ કોણ હશે?

ટાઈમ મેગેઝિને ‘2023 TIME100 ઈમ્પેક્ટ એવોર્ડ્સ’ની ગઈ કાલે રાતે જાહેરાત કરી હતી. આ એવોર્ડ વિશ્વમાં વિવિધ સ્તરે સૌથી પ્રભાવશાળી હોય એવી 100 વ્યક્તિઓને આપવામાં આવે છે. આ યાદીમાં માત્ર એક ભારતીય તરીકે બોલીવુડ અભિનેતા આયુષ્માન ખુરાનાનું નામ છે. હિન્દી સિનેમા ક્ષેત્રે સામાજિક સંદેશાઓ પ્રસ્તુત કરતી અને પ્રથાથી અલગ પ્રકારની ફિલ્મોમાં અભિનય કરવા બદલ તેમજ અભિનયક્ષેત્રની બહાર ‘યૂનિસેફ’ સંસ્થા સાથે મળીને પરોપકારી કાર્ય કરવા બદલ આયુષ્માનની પસંદગી આ એવોર્ડ માટે કરવામાં આવી છે. ટાઈમ મેગેઝિને વિજેતા તરીકે આયુષ્માનનું નામ જાહેર કરતા એક લેખમાં લખ્યું છે, ‘સામાજિક મુદ્દાઓ માટે જાગૃતિ ફેલાવવા માટે રૂપેરી પડદા પર પોતાના મંચનો ઉપયોગ કરવામાં ખુરાનાએ ખૂબ ઉત્સાહ બતાવ્યો છે… આ અભિગમથી એમની સફળ કારકિર્દીને બળ પ્રાપ્ત થયું છે એટલું જ નહીં, પણ એક ગાયક, કવિ, દાનવીર અને ભારતના યુવાધનના હિમાયતી તરીકે એમના સમાંતર પ્રયત્નોને સહાયતા મળી છે.’