મશહૂર કોમેડિયન સતીન્દર ખોસલા ‘બિરબલ’નું નિધન

નવી દિલ્હીઃ પ્રસિદ્ધ એક્ટર કોમેડિયન સતીન્દર કુમાર ખોસલા ‘બિરબલ’નું નિધન થયું છે. તેઓ 84 વર્ષના હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં દાખલ હતા. તેમનું નિધન હાર્ટએટેકને કારણે થયું હતું. તેમના નિધનથી ફિલ્મજગતમાં શોક વ્યાપ્યો છે. તેમણે અનેક ફિલ્મોમાં દર્શકોને હસાવ્યા હતા.

તેમનું મૂળ નામ સતીન્દર કુમાર ખોસલા છે. અનીતા ફિલ્મના શૂટિંગ દરમિયાન અભિનેતા મનોજ કુમાર અને નિર્દેશક રાજ ખોસલાને તેમનું નામ નોન-ફિલ્મી લાગ્યું. તેમણે સતીન્દરકુમાર ખોસલાને બિરબલ નામ આપ્યું હતું.

વી શાંતારામની ફિલ્મ ‘બૂંદ જો બન ગયી મોતી’એ તેમની કારકિર્દીને નવી ઓળખ આપી હતી. તેમણે મનોજ કુમાર સાથે રોટી કપડા ઔર મકાન, ક્રાંતિ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. આ સિવાય ફિલ્મ રિક્વેસ્ટમાં તેમનો ડ્રગ એડિક્ટનો રોલ પણ ખૂબ જ પસંદ કરવામાં આવ્યો હતો.

બિરબલે મનોજ કુમારની ફિલ્મ ઉપકારથી ડેબ્યુ કર્યું હતું. તેમણે હિન્દી, મરાઠી અને ભોજપુરીમાં ‘અમીર ગરીબ’, ‘શોલે’, ‘નસીબ’, ‘યારાના’, ‘રાસ્તે કા પથ્થર’, ‘સુન મેરી લૈલા’, ‘અનીતા’, ‘ઇન્સાન’, ‘એક મહેલ કા સપના હો’, ‘મોહબ્બત કી આરઝૂ’, ‘બૈદક’, ‘છોરી મેરા કામ’, ‘ઇમાનદાર’, ‘દો બદન’ અને ‘પાગલ કહીં કા’ વગેરે જેવી 500થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું.

સતીન્દરનો જન્મ 28 ઓક્ટોબર 1988એ થયો હતો. વર્સેટાઇલ એક્ટરને મુખ્યત્વે કોમિક રોલ્સ માટે ઓળખવામાં આવતા હતાં. તેમનું સ્ટેજ નામ બિરબલ હતું અને આ જ નામે લોકો તેને ફિલ્મી દુનિયામાં પણ ઓળખતા હતાં.