મારી અને અનુષ્કા વચ્ચે વ્યાવસાયિક સ્પર્ધાને કોઈ અવકાશ જ નથીઃ વિરાટ કોહલી

મુંબઈ – ભારતીય ક્રિકેટ ટીમનો રેગ્યૂલર કેપ્ટન વિરાટ કોહલી અને એની અભિનેત્રી અનુષ્કા શર્મા, બંને જણે પોતપોતાનાં ક્ષેત્રમાં સફળતાને પ્રાપ્ત કરી છે. બંને જણ અલગ અલગ ફેશન લેબલનું સંચાલન કરે છે, ઘણી બ્રાન્ડનો અલગ અલગ રીતે પ્રચાર કરે છે, તે છતાં બંનેનાં જીવનમાં સ્પર્ધાને કોઈ અવકાશ નથી, એવું વિરાટ કહે છે.

કોહલીએ કહ્યું કે એની પત્ની અને અભિનેત્રી-નિર્માત્રી અનુષ્કા સ્થાપિત વ્યાવસાયિક છે અને એની પોતાની દૂરદ્રષ્ટિ છે.

કોહલીએ પોતાની One8 બ્રાન્ડની One8 સીલેક્ટના નવા પોર્ટફોલિઓનું ઉદઘાટન કર્યું એ પ્રસંગે જ્યારે એને પૂછવામાં આવ્યું કે શું તારા ઘરમાં તારી પત્ની સાથે ક્રીએટિવ મામલે કોઈ ચકમક ઝરે છે ખરી? કારણ કે તારી પત્ની પણ એક અલગ ફેશન બ્રાન્ડની માલિકી ધરાવે છે. શું તમારી બેઉ વવચ્ચે કોઈ પ્રકારની સ્પર્ધા થાય છે ખરી? ત્યારે કોહલીએ કહ્યું કે અમારી વચ્ચે કોઈ પણ સ્તરે કોઈ પણ પ્રકારની સ્પર્ધા થતી નથી. લોકો આવું કેમ વિચારે છે એ જ મને સમજાતું નથી.

કોહલીએ કહ્યું કે મારી પત્ની એક પ્રોફેશનલ વ્યક્તિ છે અને એ ક્ષેત્રમાં તે ઘણા લાંબા સમયથી છે. પોતાની કારકિર્દીમાં તે એક સ્થાપિત વ્યાવસાયિક છે અને દેશમાં આજે સૌથી મોટી સેલિબ્રિટી વ્યક્તિઓમાંની એક છે. એની પોતાની દીર્ઘદ્રષ્ટિ છે. અમે બંને જણ એકદમ પ્રોફેશનલ છીએ.