રીવ્યૂ ખરાબ આવ્યા હોવા છતાં આમિરની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નું ઓપનિંગ રેકોર્ડબ્રેક રહ્યું

મુંબઈ – અમિતાભ બચ્ચન, આમિર ખાન, કેટરીના કૈફ, ફાતિમા સના શેખને મુખ્ય ભૂમિકાઓમાં ચમકાવતી ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મ યશરાજ ફિલ્મ્સની મોટા બજેટવાળી ફિલ્મ છે. આ ફિલ્મ 8 નવેમ્બરે નૂતન વિક્રમ સંવત વર્ષથી રિલીઝ થઈ છે.

ફિલ્મના રીવ્યૂ તેમજ સામાન્ય પ્રતિક્રિયા મોટે ભાગે બહુ જ ખરાબ આવ્યા છે, તે છતાં ફિલ્મે પહેલા જ દિવસે જોરદાર કમાણી કરી છે.

આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 52.25 કરોડની કમાણી કરી છે અને ઓપનિંગ દિવસે જ આટલી બધી કમાણી કરનાર પહેલી જ હિન્દી ફિલ્મ બની છે.

આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ રેકોર્ડ-બ્રેકિંગ રહ્યું હતું. લોકોએ ટિકિટ એડવાન્સમાં બુક કરાવવા માટે ભારે ધસારો કર્યો હતો. ઓનલાઈન એડવાન્સ ટિકિટ બુકિંગ સુપરહિટ રહ્યું હતું.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મ પૂર્વે ઓપનિંગ દિવસે મોટી કમાણી કરવાનો વિક્રમ ‘બાહુબલી – ધ કન્ક્લ્યુઝન’ ફિલ્મનો હતો. એણે રૂ. 40.73 કરોડનો વકરો કર્યો હતો.

આમિરની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ફિલ્મે એના જ દ્વારા અભિનીત ‘દંગલ’ (રૂ. 29.78 કરોડ)ને પણ ક્યાંય પાછળ રાખી દીધી છે.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ ભારત ઉપરાંત વિદેશ સહિત 7000 જેટલા થિયેટર-સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ‘દંગલ’ ફિલ્મને 5,300 સ્ક્રીન પર રિલીઝ કરાઈ હતી.

‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ની ટિકિટના ભાવ સામાન્ય કરતાં ઘણા વધારે રાખવામાં આવ્યા છે. આ પહેલાં કોઈ હિન્દી ફિલ્મ માટે ટિકિટના ભાવ આટલા બધા ઊંચા રાખવામાં આવ્યા નહોતા.

ટ્રેડ એનાલિસ્ટ્સનું માનવું છે કે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ શનિવાર સુધીમાં જ કમાણીમાં રૂ. 100 કરોડના આંકે પહોંચી જશે.

નિર્માતા કરણ જોહરના ચેટ શો વખતે આમિરે એમ કહ્યું હતું કે ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’ને દર્શકો કેવો પ્રતિસાદ આપશે એ વિચારે તે નર્વસ થઈ ગયો છે.

હવે જ્યારે આમિરને ખબર પડી કે એની ફિલ્મે પહેલા જ દિવસે રેકોર્ડબ્રેક કમાણી કરી છે ત્યારે એને રાહત થઈ છે. એક નિવેદનમાં એણે કહ્યું કે, દર્શકોએ બતાવેલા પ્રેમ અને લાગણીથી હું ગદ્દગદ્દ થઈ ગયો છું. આપનો આભાર.

જોકે આ ફિલ્મ જોનાર અનેક સમીક્ષકો તથા સામાન્ય દર્શકોનુું કહેવું છે કે આ ફિલ્મ સાવ બોરિંગ (કંટાળાજનક) છે અને મનોરંજનના નામે મીંડું છે.