‘ધ કશ્મીર ફાઈલ્સ’ ઓસ્કર-2023 નામાંકન માટે પાત્ર ઠરી

મુંબઈઃ બોલીવુડ દિગ્દર્શક-નિર્માતા વિવેક અગ્નિહોત્રીની ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મનાં ચાહકો માટે ખુશખબરી છે. અગ્નિહોત્રીએ ટ્વિટરના માધ્યમથી જાણકારી આપી છે કે આ વર્ષના ઓસ્કર એવોર્ડ્સ માટે નામાંકન માટે પસંદ કરાયેલી ફિલ્મોની પહેલી યાદીમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં કુલ પાંચ ભારતીય ફિલ્મોનો સમાવેશ કરાયો છે. આનો અર્થ એ થાય કે આ ફિલ્મ ઓસ્કર એવોર્ડ મેળવવાની રેસમાં ભાગ લેવા માટે પાત્ર ઠરી છે.

નોમિનેશન માટે પાત્ર ઠરેલી ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ઉપરાંતની અન્ય ચાર ભારતીય ફિલ્મ છે – ‘કાંતારા’, ‘આરઆરઆર’ અને ‘ગંગૂબાઈ કાઠિયાવાડી’. ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ને નામાંકન માટે મોકલવામાં આવી છે. મતદાન 12 અને 17 જાન્યુઆરીએ કરાશે. અગ્નિહોત્રીએ અન્ય ફિલ્મોને પણ શુભેચ્છા આપી છે.

એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ એન્ડ સાયન્સીસ અર્થાત ઓસ્કર એવોર્ડ્સનો આગામી કાર્યક્રમ 95મી આવૃત્તિનો હશે. તેનું આયોજન 12 માર્ચે લોસ એન્જેલિસમાં કરવામાં આવશે. નામાંકન માટે કુલ 301 ફિલ્મોને પાત્ર ગણવામાં આવી છે.