સ્વરા ભાસ્કરને અમેરિકામાં ટેક્સી ડ્રાઈવરે લૂંટી લીધી?

મુંબઈઃ સોશિયલ મિડિયા પર સક્રિય રહેતી બોલીવુડની વિવાદાસ્પદ અભિનેત્રી સ્વરા ભાસ્કર હાલ અમેરિકાના લોસ એન્જેલીસમાં છે. એણે ટ્વિટરના માધ્યમથી એવો આક્ષેપ કર્યો છે કે લોસ એન્જેલીસમાં તેણે ખરીદેલો અનાજ-કરિયાણાનો સામાન ઉબર ટેક્સી કંપનીનો એક ડ્રાઈવર ચોરીને ભાગી ગયો છે. સ્વરાએ પોતાનાં ટ્વીટમાં ઉબર કંપનીને ટેગ કરીને આક્ષેપ કર્યો છે કે તમારી કેબ એપ પર આની ફરિયાદ નોંધવાની કોઈ પદ્ધતિ ઉપલબ્ધ નથી. મારો સામાન ગુમાયો નથી, પરંતુ તે ડ્રાઈવર મારો સામાન લઈને જતો રહ્યો છે. શું મારો સામાન પાછો મળી શકે છે, પ્લીઝ?

સ્વરાનું આ ટ્વીટ ઈન્ટરનેટ પર વાઈરલ થયું છે. સ્વરાનાં અસંખ્ય ટીકાકારોને મોકળું મેદાન મળી ગયું છે. તેઓ સ્વરાની મજાક ઉડાવી રહ્યાં છે. ઘણાએ ઉબરને લખ્યું છે કે તમે આની પર વિશ્વાસ ન કરતા, આ મફતના માટે આવું ગમે તે કરી શકે છે. આને જવાબ આપવાની તકલીફ ન કરશો. લોકોમાં છવાઈ જવા માટે તે પાયાવિહોણા આરોપ લગાવવાની તેની આદત છે.

સ્વરાનાં ટ્વીટનો ઉબર કંપનીએ જવાબ આપ્યો છે અને તેને મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે.

સ્વરાની નવી હિન્દી ફિલ્મ આવી રહી છે ‘જહાં ચાર યાર’.