સોનૂ સૂદ BMC સામે લડશેઃ સુપ્રીમ-કોર્ટમાં જશે

મુંબઈઃ બોલીવૂડ અભિનેતા સોનૂ સૂદે મુંબઈ મહાનગરપાલિકા (બીએમસી) વિરુદ્ધ કરેલી અરજીને નકારી કાઢતા મુંબઈ હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવાનું નક્કી કર્યું છે. અહીં વિલે પારલે (વેસ્ટ) ઉપનગરના જુહૂ વિસ્તારમાં સોનૂએ પોતાની માલિકીના એક મકાનમાં કથિતપણે ગેરકાયદેસર બાંધકામ કરતાં મહાનગરપાલિકાએ એને નોટિસ ફટકારી છે.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)નો આરોપ છે કે સોનૂ સૂદે છ માળના રહેણાંક મકાનમાં કેટલાક સ્ટ્રક્ચરલ ફેરફારો કરાવ્યા હતા અને તેનો ઉપયોગ ગયા વર્ષે તબીબી વ્યાવસાયિકો માટે કોરોના વાઈરસ ક્વોરન્ટીન સુવિધાસ્થળ તરીકે કર્યો હતો. ત્યારબાદ એણે જરૂરી પરવાનગીઓ મેળવ્યા વગર તેને હોટેલમાં પરિવર્તિત કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં કરેલા કેસમાં સૂદે બીએમસીના દાવાને નકારી કાઢ્યો છે અને દાવો કર્યો છે કે પોતે 2018માં જ સત્તાવાળાઓ પાસે પરવાનગી માગી હતી.