મુંબઈઃ કોરોના વાયરસને કારણે અત્યારે દેશવ્યાપી લોકડાઉન ચાલી રહ્યુંં છે. મુંબઈમાં તમામ શોપિંગ મોલ્સ, શોપિંગ સેન્ટરો, શોરુમ્સ, રેસ્ટોરન્ટ્સ બંધ છે. ત્યારે અહીંયા કામ કરનારા મજૂરો બેરોજગાર થઈ ગયા છે અને તે પોતાના વતન તરફ પગપાળા કે સાઈકલ રિક્ષામાં જઈ રહ્યા છે. મજૂરોની આ સ્થિતિથી બધા જ લોકો દુઃખી છે. બોલીવૂડ એક્ટર સોનૂ સુદ આ મજૂરોની વ્હારે આવ્યો છે. તે છેલ્લા કેટલાય દિવસથી આ મજૂરોની મદદ કરી રહ્યો છે. તેણે યૂપીના પ્રવાસી મજૂરોને એમના ઘરે પહોંચાડવા માટે યૂપી સરકાર પાસેથી મંજૂરી લીધી છે. આટલું જ નહી, પરંતુ સોનૂ સૂદે મહારાષ્ટ્રથી કર્ણાટકના ગુલબર્ગ જનારા કામદારો માટે ખાસ બસ સેવાની પણ વ્યવસ્થા કરી છે. તેણે કહ્યું કે, લોકડાઉન દરમિયાન પોતાના ઘરે પાછા ન જઈ શકતા પરપ્રાંતીય કામદારોની દુર્દશા જોઈને દુઃખ થાય છે અને તેમને એમના વતન-ઘેર પાછા પહોંચવા માટે પોતે શક્ય તેટલું બધું કરશે. સૂદે એક નિવેદનમાં કહ્યું કે, આ મારા માટે એક અત્યંત ભાવનાત્મક બાબત છે. પોતાના ઘરથી દૂર રોડ પર ચાલતા આ પ્રવાસીઓને જોઈને મને ખૂબ દુઃખ થાય છે.
સોનૂ સૂદે કહ્યું કે, જ્યાં સુધી છેલ્લામાં છેલ્લો વ્યક્તિ પોતાના પરિવાર અને પ્રિયજનોને ન મળી જાય ત્યાં સુધી હું આ પરપ્રાંતીય કામદારોને એમના ઘેર મોકલવાનું ચાલુ જ રાખીશ. આ લોકો મારા દિલની ખૂબ નજીક છે.
સોનૂ સૂદની મદદથી મુુંબઈમાં વડાલા ઉપનગરથી ઉત્તર પ્રદેશના લખનઉ, હરદોઈ, પ્રતાપગઢ, અને સિદ્ધાર્થનગર સહિત વિસ્તારો માટે ખાનગી બસો રવાના કરવામાં આવી છે. તે ઉપરાંત મુંબઈથી ઝારખંડ અને બિહારના અનેક જિલ્લાઓ માટે આ એક્ટર બસ સેવાની મદદ કરી રહ્યો છે.