સોનુ સુદે ‘મણિકર્ણિકા’ ફિલ્મમાં કામ કરવાની ના પાડી: કંગનાએ કારણ આપ્યું

મુંબઈ – બોલીવૂડ અભિનેતા સોનુ સુદે અભિનેત્રી કંગના રણૌતની મહત્ત્વાકાંક્ષી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાં કામ કરવાનો ઈનકાર કરી દીધો છે.

સોનુએ એમ જણાવ્યું છે કે એને શેડ્યૂલિંગમાં તકલીફ હતી.

‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાં સોનુ સદાશિવરાવ ભાઉનું પાત્ર કરતો હતો, પણ એ હાલ રોહિત શેટ્ટીની ‘સિમ્બા’ ફિલ્મમાં પણ કામ કરી રહ્યો છે. એને જ્યારે કંગનાએ અમુક દ્રશ્યોનું શૂટિંગ ફરીથી કરવાનું કહ્યું ત્યારે સોનુ મૂંઝવણમાં મૂકાઈ ગયો હોવાનું કહેવાય છે.

તારીખોની મારામારી ઉપરાંત બીજી વાત એ છે કે ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ ફિલ્મમાં 45 વર્ષીય સોનુને દાઢી વગરના યુવાનનું પાત્ર ભજવવાનું હતું જ્યારે ‘સિમ્બા’માં એને દાઢીવાળો લૂક આપવામાં આવ્યો છે.

આમ છતાં, કંગનાએ ખરું કારણ જણાવ્યું છે. એણે કહ્યું કે, સોનુ સુદે મહિલા ડાયરેક્ટરના હાથ નીચે કામ કરવાની ઘસીને ના પાડી દીધી હતી. અમારી ટીમે એને ઘણું સમજાવ્યો હતો. સૌને મારી પર ભરોસો છે, પણ સોનુને નહોતો. વળી, એની પાસે ડેટ્સ પણ ઉપલબ્ધ નહોતી.

‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ના મૂળ દિગ્દર્શક ક્રિશને અમુક બીજા કામ આવી પડતાં કંગનાએ ફિલ્મના એક ભાગનું દિગ્દર્શન સંભાળ્યું હતું.