શમ્મી કપૂરે લિપસ્ટિકથી ભરી હતી ગીતા બાલીની માંગ

મુંબઈઃ બોલીવૂડ એક્ટર શમ્મી કપૂરનું પૂરું નામ શમશેરરાજ કપૂર છે. પૃથ્વીરાજ કપૂરના આ પુત્રનો જન્મ 21 ઓક્ટોબર, 1931એ થયો હતો. શમ્મી કપૂર બધા ભાઈઓમાં સૌથી વધુ ચંચળ હતા. એ ચંચળતા તેમના વ્યક્તિત્વમાં દેખાતી પણ હતી. તેમની ચંચળતા તેમના સુપરહિટ ગીતોમાં અલગ દેખાતી હતી. તેમણે તેમની સ્કૂલ રાજ કપૂરને કારણે છોડવી પડી હતી.

વાસ્તવમાં શમ્મીએ ‘શકુંતલા’ નાટકમાં ભરતનું પાત્ર ભજવવાનું હતું અને રાજ કપૂરને મહત્ત્વની ભૂમિકા ભજવવાની હતી, પણ રાજ કપૂરને પણ લાંબી રજા નહોતી મળી. જેથી તેઓ રજા માટે પ્રિન્સિપાલથી ઝઘડી પડ્યા હતા. જેથી બંને ભાઈઓએ એકસાથે સ્કૂલ છોડવી પડી હતી.

શમ્મીએ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ શરૂ કર્યું હતું. એ વખતે તેમણે રૂ. 150 મહિનાના મળતા હતા. એક્ટ્રેસ નૂતન તેમની નાનપણની ગર્લફ્રેન્ડ હતી. બંનેએ 1953માં રિલીઝ થયેલી ફિલ્મ ‘લૈલા મજનૂ’માં કામ કર્યું હતું. એ સમયે શમ્મીએ છ અને નૂતન માત્ર ત્રણ વર્ષના હતાં. દેશમાં 90ના દાયકામાં ઇન્ટરનેટને પ્રારંભ થયો હતો, પણ શમ્મીએ તો વર્ષ 1988માં જ કોમ્પ્યુટરને પારખવાનું શરૂ કરી દીધું હતું. શમ્મી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાવાળા એ ચુનંદા લોકોમાં સામેલ હતા, જેમણે એની ઉપયોગિતા પહેલેથી પારખી લીધી હતી.

શમ્મી કપૂરે 1955માં ગીતા બાલી સાથે લગ્ન કર્યાં હતાં. શમ્મી કો-એક્ટ્રેસને વારંવાર પૂછ્યા કરતા હતા કે શું તમે મને પ્રેમ કરો છો? એક વાર ગીતાએ કહી દીધું કે લગ્ન કરવા હોય તો હાલ કરો. ત્યાર બાદ શમ્મીએ તત્કાળ લગ્નની વ્યવસ્થા કરી હતી, પણ એ સિંદૂર લાવવાનું ભૂલી ગયા હતા, જેથી ગીતાએ લિપસ્ટિક કાઢીને આપી હતી, જેનાથી શમ્મીએ તેમની માગ ભરી હતી.