‘હીરામંડી’ વેબસીરિઝ માટે ભણસાલી મુંબઈમાં બંધાવે છે વિરાટ સેટ

મુંબઈઃ ‘હીરામંડી’ વેબસીરિઝ સાથે બોલીવુડના ખ્યાતનામ નિર્માતા-દિગ્દર્શક સંજય લીલા ભણસાલી વેબ અથવા ઓટીટી પ્લેટફોર્મ પર પદાર્પણ કરી રહ્યા છે. આ સીરિઝના શૂટિંગ માટે તેઓ મુંબઈમાં 1,60,000 સ્ક્વેર ફીટ વિસ્તારનો વિશાળ સેટ ઊભો કરાવી રહ્યા છે. ‘ફ્રી પ્રેસ જર્નલ’ના અહેવાલ મુજબ, ભણસાલીએ કહ્યું છે કે, ”હીરામંડી’ મારો અત્યાર સુધીનો સૌથી મોટો પ્રોજેક્ટ છે. તે ખૂબ વિશાળ પાયે બનશે. તેથી મારે કંઈક વિશેષ જ કરવું પડે.’

આ વેબસીરિઝ આઝાદી પૂર્વેના ભારતમાં તવાયફો (ગણિકાઓ)નાં જીવનમાં ઊભાં થયેલા પ્રેમ અને વિશ્વાસઘાતના સંજોગો પર આધારિત હશે. આ વેબસીરિઝ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રજૂ કરાશે.