મુંબઈ – બોલીવૂડના દંતકથા સમાન પટકથા લેખક અને ફિલ્મ નિર્માતા સલીમ ખાને કહ્યું છે કે અયોધ્યામાં મુસ્લિમ પક્ષને સૂચિત પાંચ એકર જમીન આપવાનો સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ આપ્યો છે. પણ એ જમીન પર મસ્જિદને બદલે શાળાઓ બાંધવી જોઈએ.
83 વર્ષના સલીમ ખાને કહ્યું કે ભારતમાં રહેતા મુસ્લિમોને મસ્જિદની નહીં પણ વધારે સારી શાળાઓની તાતી જરૂર છે.
બોલીવૂડ અભિનેતાઓ સલમાન ખાન, અરબાઝ ખાન, સોહેલ ખાનના પિતા સલીમ ખાને અયોધ્યા મંદિર-મસ્જિદ વિવાદ વિશે સુપ્રીમ કોર્ટે શનિવારે આપેલા ચુકાદાને આવકાર્યો છે અને કહ્યું કે, ‘હવે જ્યારે અયોધ્યા વિવાદમાં પૂર્ણવિરામ આવી ગયો છે ત્યારે મુસ્લિમોએ ઈસ્લામ ધર્મના બે ગુણને ધ્યાનમાં રાખવાની જરૂર છે. જેમ કે, મોહબ્બત ઝાહિર કરીએ ઔર માફ કરીએ… આવા પ્રશ્નોને હવે ફરી ભૂતકાળમાં લઈ જવા નહીં… અહીંથી જ આગળ વધો.’
સલીમ ખાને કહ્યું કે છેલ્લા બે દાયકામાં ભારતીય સમાજ ખૂબ પરિપક્વ થયો છે. શનિવારે અયોધ્યા વિવાદમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા બાદ દેશમાં બંને સમાજનાં લોકોએ જે રીતે શાંતિ અને કોમી એખલાસ જાળવ્યા એ ખરેખર પ્રશંસનીય છે. બહુ જૂનો વિવાદ ઉકેલાઈ ગયો છે. હું મારા હૃદયથી કોર્ટના આ ચુકાદાને આવકારું છું.