‘મને-ઘરમાં-રહેતા ડર લાગે છે’: સૈફ અલી ખાન

મુંબઈઃ ‘કપિલ શર્મા શો’ના નવા પ્રોમોમાં સૈફ અલી ખાન મજાકમાં એવું બોલ્યો હતો કે એ પોતાને આજકાલ કામમાં વ્યસ્ત રાખે છે, કારણ કે એને ડર છે કે જો એ ઘરમાં પડ્યો રહેશે તો કદાચ બાળકો જ પેદા કરતો રહેશે. સૈફ અલી ખાન અને રાની મુખરજી અભિનિત ‘બન્ટી ઔર બબલી 2’ ફિલ્મ 19 નવેમ્બરથી થિયેટરોમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2005માં આવેલી ‘બન્ટી ઔર બબલી’ની સીક્વલ છે. મૂળ ફિલ્મમાં રાની મુખરજી સાથે અભિષેક બચ્ચન ચમક્યો હતો. આ વર્ષમાં સૈફની ‘તાંડવ’ અને ‘ભૂત પોલીસ’ ફિલ્મો રિલીઝ થઈ ચૂકી છે.

‘બન્ટી ઔર બબલી 2’ના પ્રમોશન માટે આવેલા સૈફ અલીને જ્યારે હોસ્ટ કોમેડિયન કપિલ શર્માએ એમ પૂછ્યું કે, ‘શું તને કામની લત લાગી ગઈ છે કે પછી બીજા પુત્રના જન્મ બાદ પરિવાર મોટો થતાં એકસ્ટ્રા કામ કરી રહ્યો છે?’ ત્યારે એના જવાબમાં સૈફે કહ્યું કે, ‘વાત એમ છે કે મને ડર છે કે જો હું ઘરમાં પડ્યો રહીશ તો કદાચ બાળકો જ પેદા કરતો રહીશ.’ એનો જવાબ સાંભળીને સેટ પર હાજર શ્રોતાઓ સહિત બધાં ખડખડાટ હસી પડ્યાં હતાં. સૈફ અલી ખાનને પહેલી પત્ની અમ્રિતા સિંઘથી પુત્ર ઈબ્રાહિમ અલી અને પુત્રી સારા અલી થયાં છે જ્યારે બીજી પત્ની કરીના કપૂરથી બે પુત્ર થયા છે – તૈમૂર અલી અને જહાંગીર અલી.