આ અભિનેત્રી પોતાનું પાત્ર ભજવે એવી પી. વી. સિંધુની ઇચ્છા…

નવી દિલ્હી- ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પી.વી. સિંધુ તાજેતરમાં જ વિશ્વ ચેમ્પિયન બની છે. સિંગલ્સ ફાઈનલમાં એણે જાપાનની નોઝોમી ઓકુહારાને સીધા સેટની રમતમાં પરાજય આપીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.  પી. વી. સિંધુના વિશ્વ ચેમ્પિયન બનવાની સાથે જ એવા સમાચારો વહેતા થયાં હતા કે, બોલિવુડમાં તેમને લઈને બાયોપિક બનાવામાં આવશે, જેમાં તેમના કોચ પુલેલા ગોપીચંદનું પાત્ર અક્ષય કુમાર ભજવશે. જોકે, હજુ સુધી આ વાતને લઈને કોઈ સત્તાવાર જાહેર નથી થઈ.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પી. વી. સિંધુએ આ બાબતે પોતાની ઈચ્છા વ્યક્ત કરતા કહ્યું કે, જો તેમની બાયોપિક બનશે તો તેમા તેનું પાત્ર અભિનેત્રી દીપિકા પાદૂકોણ નિભાવે તો મને ગમશે.

મહત્વનું છે દીપિકા પાદૂકોણ જાણીતા આંતરાષ્ટ્રીય બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદૂકોણની દીકરી છે અને દીપિકા પોતે પણ નેશનલ લેવલની ચેમ્પિયન રહી ચૂકી છે. પી. વી. સિંધુ માને છે કે, ફિલ્મમાં તેમનું પાત્ર દીપિકા કરતા સારુ અન્ય કોઈ નહીં ભજવી શકે. હાલમાં જ અભિનેતા સોનૂ સૂદે પી.વી. સિંધુની બાયોપિકને લઈને તેમની સાથે ચર્ચા કરી હતી.