શીખવાની કોઈ ઉંમર નથી હોતીઃ 43 વર્ષી સુષ્મિતા સેને કર્યું સ્કિન ડાઈવિંગ

મુંબઈ- વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય ખેલ દિવસ નિમિત્તે દેશભરમાં શરૂ કરાવેલી ‘ફિટ ઈન્ડિયા’ ઝુંબેશને જોરદાર પ્રતિસાદ સાંપડ્યો છે. દેશની જૂદા જૂદા ક્ષેત્રની સેલેબ્રિટીઓ ફિટ ઈન્ડિયા ઝૂંબેશ હેઠળ ફિટનેસ ચેલેન્જો આપી રહી છે.

એક તરફ દેશભરમાં ફીટનેસને લઇને આવો માહોલ જામ્યો છે ત્યારે બોલિવુડની અભિનેત્રી અને ભૂતપૂર્વ વિશ્વસુંદરી સુષ્મિતા સેને 43 વર્ષની ઉંમરે એક સ્કિન ડાઈવિંગ કરીને સૌ કોઈને આશ્ચર્યમાં મૂકી દીધા છે.

‘શિખવાની કોઈ ઉંમર નથી હોતી’ આ વાક્ય બોલિવુડની અભિનેત્રી સુષ્મિતા સેને તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોના કેપ્શનમાં લખ્યું છે. સુષ્મિતા સેન અત્યારે માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે.

સુષ્મિતા સેને ઈસ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયોમાં સ્કૂબા ડાઈવિંગ એડવેન્ચરનો અનુભવ કરતી નજરે જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરતા સુષ્મિતાએ લખ્યું કે, “43 વર્ષની ઉંમરે સ્કિન ડાઈવ શીખી રહી છું. કશું નવું શીખવા માટે ક્યારેય મોડું નથી થતું… નવી શરૂઆત માટે માત્ર એક પગલું ભરવાની અને પોતાના પર વિશ્વાસ રાખવાની જરૂર હોય છે.” હું આ સમુદ્રમાં ત્યાં સુધી ડાઈવિંગ કરતી રહીશ જ્યાં સુધી હું ડાન્સ કરવાનું શીખી ન લઉં.

સુષ્મિતા સેનના આ વીડિયોને જોઈને તેમના ફોલોઅર્સ ખુબજ ખુશ થઈ રહ્યાં છે અને તેમની પોસ્ટને લાઈક અને કોમેન્ટ્સ કરીને અભિનેત્રીના વખાણ કરી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સુષ્મિતાની નાની દીકરી અલિસાહનો 10મો જન્મદિવસ હતો. અલિસાહના જન્મદિવસે સુષ્મિતાએ તેને અત્યંત ખાસ ગિફ્ટ આપી છે. સુષ્મિતાએ ઈન્સ્ટાગ્રામ પર કેટલાક વીડિયો શેર કર્યા છે. જેમાં તે અલિસાહ સાથે સ્કૂબા ડાઈવિંગની તૈયારી કરતી અને બાદમાં ડાઈવિંગની મજા માણતી જોવા મળે છે. વીડિયો શેર કરતાં સુષ્મિતાએ લખ્યું, ‘અલિસાહ ખાસ્સા સમયથી સ્કૂબા ડાઈવિંગ કરવા માગતી હતી. પરંતુ તેના માટે ઓછામાં ઓછી ઉંમર 10 વર્ષ હોવી જોઈએ. અલિસાહે પાંચ વર્ષ રાહ જોઈ અને હવે તે 10 વર્ષની થઈ ગઈ છે ત્યારે પહેલું સ્કૂબા ડાઈવિંગ એન્જોય કરવા માટે તૈયાર છે.