શ્રીદેવીની મીણની પ્રતિમાનું સિંગાપોરમાં અનાવરણ; કપૂર પરિવારજનોની આંખો આંસુથી ભરાઈ આવી

સિંગાપોર – બોલીવૂડ તથા દક્ષિણ ભારતીય ફિલ્મોનાં મહાન અભિનેત્રી સ્વ. શ્રીદેવીની મીણની બનાવેલી પ્રતિમાનું સિંગાપોરમાં મેડમ તુસાદ વેક્સ મ્યુઝિયમમાં અનાવરણ કરવામાં આવ્યું છે.

એ પ્રસંગે શ્રીદેવીનાં નિર્માતા પતિ બોની કપૂર, બે પુત્રી જ્હાન્વી તથા ખુશી તેમજ દેર સંજય કપૂર પણ ઉપસ્થિત હતાં.

શ્રીદેવીની આ પ્રતિમાને અભિનેત્રીએ ‘મિસ્ટર ઈન્ડિયા’ ફિલ્મમાં ‘હવા હવાઈ’ ગીત વખતે અપનાવેલો લુક આપવામાં આવ્યો છે. પ્રતિમા આબેહૂબ શ્રીદેવી જેવી જ દેખાય છે. જાણે પ્રત્યક્ષ શ્રીદેવી જ જોઈ લો. પ્રતિમા જોઈને પરિવારજનોની આંખોમાં આંસુ આવી ગયા હતા. બોની કપૂર ધ્રૂસ્કે ધ્રુસ્કે રડી પડ્યા હતા.

આ પ્રતિમા દ્વારા શ્રીદેવી ફરીવાર એમનાં પ્રશંસકો સમક્ષ હાજર થયાં છે.

પ્રતિમા સાથે પરિવારજનોએ તસવીર પડાવી હતી. જ્હાન્વી પ્રતિમાને ઘણી વાર સુધી ટગર ટગર જોયા કરતી રહી હતી.

શ્રીદેવીનાં તાજેતરમાં ગયેલા જન્મદિન વખતે મેડમ તુસાદ મ્યુઝિયમ તરફથી કપૂર પરિવારને ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા હતા કે તેઓ મ્યુઝિયમમાં શ્રીદેવીની પ્રતિમા મૂકવાના છે.

શ્રીદેવીએ 1987માં રિલીઝ થયેલી મિસ્ટર ઈન્ડિયા ફિલ્મમાં હવા-હવાઈ ગીતમાં ડાન્સ કર્યો હતો. એ ગીત અને એમનો ડાન્સ ખૂબ પ્રચલિત અને યાદગાર થઈ ગયો છે.

 

શ્રીદેવીનું 2018ની 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલમાં આકસ્મિક રીતે નિધન થયું હતું.