મુંબઈઃ બોલીવૂડ અભિનેતા અક્ષય કુમારના માર્ગદર્શન હેઠળ બેંગલુરુનિવાસી એક ગેમિંગ પબ્લિશર ટૂંક સમયમાં લોન્ચ કરવાના છે એક નવી મલ્ટી-પ્લેયર મિડ-કોર ગેમ – FAU-G. આનું ફૂલ ફોર્મ છે – ‘ફીયરલેસ એન્ડ યુનાઈટેડઃ ગાર્ડ્સ’.
આ ગેમ તેને થનાર આવકમાંથી 20 ટકા રકમ ‘ભારત કે વીર ટ્રસ્ટ’ને દાનમાં આપશે.
‘ભારત કે વીર ટ્રસ્ટ’ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ભંડોળ ઊભું કરવા માટે શરૂ કરેલી એક પહેલ છે. આ પહેલનો ઉદ્દેશ્ય દેશની રક્ષા કરવાની ફરજ અદા કરતી વખતે પોતાના જાનનું બલિદાન આપનાર વીર જવાનોના પરિવારોને આર્થિક સહાયતા પૂરી પાડવાનો છે. આ ટ્રસ્ટની સ્થાપના ભારત સરકાર, અક્ષય કુમાર અને ભૂતપૂર્વ બેડમિન્ટન સ્ટાર પુલ્લેલા ગોપીચંદે સાથે મળીને કરી છે.
આ ગેમનું લોન્ચિંગ આવતા ઓક્ટોબરના અંતભાગમાં કરાય એવી ધારણા છે. એમાં ફર્સ્ટ-લેવલ ગલવાન વેલી પશ્ચાદભૂ સાથે સેટ કરાશે. તે રીયલ-લાઈફ ઘટનાઓ, ભારતીય સુરક્ષા દળોએ આંતરિક તેમજ વિદેશી જોખમોના કરેલા મુકાબલા પર આધારિત હશે.
અક્ષય કુમારનું કહેવું છે કે આ FAU-G ગેમિંગ મનોરંજનનું મહત્ત્વનું સાધન બનશે અને યુવાનોને તે રમીને આપણા દેશના સૈનિકોના બલિદાનને સમજવાનો મોકો મળશે અને શહીદોના પરિવારો માટે પોતાનું યોગદાન આપી શકશે. સાથોસાથ, વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને બળ પણ મળશે.