મુંબઈઃ બોલીવૂડના મશહૂર ડિરેક્ટર પ્રકાશ ઝા ક્લાસિક ફિલ્મો માટે જાણીતા છે. તેઓ તેમની ફિલ્મ ‘મટ્ટુ કી સાઇકલ’ને લઈને ન્યૂઝમાં છે. એ 16 સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે. પ્રકાશ ઝા આ ફિલ્મમાં એક્ટિંગ કરી રહ્યા છે. ફિલ્મમેકર તેમના બિનધાસ્ત અંદાજ માટે જાણીતા છે. તેઓ હંમેશાં દરેક સામાજિક અને રાજકીય મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરતા રહે છે. જોકે આજકાલ તેઓ તેમનો ગુસ્સો ફિલ્મસ્ટાર્સ પર કાઢતા રહે છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે બોલીવૂડના સ્ટાર્સ ગૂટખા વેચવામાં મસ્ત છે.
તેમણે કહ્યું હતું કે ફિલ્મોના ફ્લોપ થવાથી સ્ટાર્સને કોઈ ફરક નથી પડતો. છેલ્લા છ મહિનાથી બોલીવૂડના હાલહવાલ છે, દર્શક જે રીતે ફિલ્મો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે, એ સમજમાં નથી આવતું. આજકાલ અમારા તો સ્ટાર્સ ગુટખા વેચી રહ્યા છે. તેમને જ્યારે ફુરસદ મળશે, ત્યારે તેઓ કોઈ રિમિક્સ કે વાહિયાત ફિલ્મ બનાવી લે છે. તેમને 5-6 ફિલ્મો ફ્લોપ થયા પછી પણ કોઈ ફરક નથી પડતો.તેમણે કહ્યું હતું કે પ્રોડ્યુસર્સ અને કન્ટેન્ટ ક્રિયેટર્સને પણ એ જ લાગવા લાગ્યું છે કે મોટા સ્ટાર્સ થકી તેઓ પોતાની ફિલ્મોને હિટ કરાવી શકે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીએ હવે એ વાત પર ગંભીરતાથી વિચાર કરવાની જરૂર છે. એક્ટર્સે એ સમજવાની જરૂર છે કે જનતાએ તેમને સ્ટાર બનાવ્યા છે અને એક દિવસ એજ જનતા તેમને ડુબાડી દેશે.
તેમણે કહ્યું હતું કે બોલીવૂડવાળા હવે સારી વાર્તા લઈને નથી આવતા, જ્યારે સાઉથ ઇન્ડસ્ટ્રી સતત એક્સપરિમેન્ટ કરી રહી છે. સાઉથ સિવાય પંજાબી, તેલુગુ, તમિળ અને બંગાળીમ જેવી પ્રાદેશિક ફિલ્મોમાં પણ આવું જ છે, જે દર્શકોને આકર્ષે છે. બોલીવૂડમાં સારી વાર્તા આપતા ડિરેક્ટરો, પ્રોડ્યુસર અને રાઇટર છે- તેમને કોઈ પૂછતું નથી, એમ તેમણે કહ્યું હતું.