પોપસ્ટાર જસ્ટિન બીબરનો ભારતનો શો રદ થયો, જાણો કારણ…

નવી દિલ્હીઃ પોપ ગાયક જસ્ટિન બીબરના ફેન્સ માટે એક માઠા સમાચાર છે. ચિલી, આર્જેન્ટિના, બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા, બહેરિન, સંયુક્ત આરબ અમિરાત અને ઇઝરાયલમાં આ પોપસ્ટારના કાર્યક્રમ કેન્સલ થવાની સાથે હવે ભારતમાં પણ એનો મ્યુઝિકલ શો રદ કરી દેવામાં આવ્યો છે. સતત બીજી વાર જસ્ટિન બીબરની વર્લ્ડ ટુર રદ થઈ છે. એની પાછળ તેનુ ખરાબ સ્વાસ્થ્ય છે.

 ટુર આયોજકોએ બુક માય શો પર ભારતના મ્યુઝિકલ કાર્યક્રમને રદ થવા પર એક નિવેદન જારી કર્યું છે. બુક માય શોના પ્રવક્તાના જણાવ્યાનુસાર ટુર આયોજકોના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અમને એ જણાવતાં બહુ નિરાશા થઈ રહી છે કે જવાહરલાલ નેહરુ સ્ટેડિયમ, નવી દિલ્હીમાં 18 ઓક્ટોબર, 2022એ થનારો જસ્ટિન બીબર જસ્ટિસ વર્લ્ડ ટુર- ઇન્ડિયાને રદ દેવામાં આવ્યો છે. અમને ખેદ છે કે જસ્ટિન આવતા મહિને વર્લ્ડ ટુર પર નહીં જઈ શકે. ભારતના પ્રવાસની સાથે પોપસ્ટાર ચિલી, આર્જેન્ટિના, બ્રાઝિલ, દક્ષિણ આફ્રિકા, બહેરિન, સંયુક્ત આરબ અમિરાત અને ઇઝરાયલમાં તેણે શો રદ કરી દીધા છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમે એ વાતથી નિરાશ છીએ કે આ વર્ષે જસ્ટિન બીબર ભારતમાં શો નહીં કરી શકે, જેનું કારણ તેમની આરોગ્યની સમસ્યાઓ છે. અમે તેમને જલદી સારા થઈ જવાની પ્રાર્થના કરીએ છીએ અને આશા કરીએ છીએ કે તે જલદીમાં જલદી સ્વસ્થ થઈને લાખ્ખો ચાહકોને મળવા ભારત જરૂર આવે. જૂનમાં જસ્ટિન રામસે હન્ટ સિન્ડ્રોમ નામની બીમારીથી પીડિત હતો, જે પછી તેનો ચહેરાનો અડધો હિસ્સો લક્વાગ્રસ્ત થઈ ગયો હતો.