‘થેંક ગોડ’ માટે દેવગને કેટલા કરોડ લીધા?

મુંબઈઃ અજય દેવગન અભિનીત ‘થેંક ગોડ’ હિન્દી ફિલ્મ આવતા મહિનાના અંતભાગમાં રિલીઝ થવાની છે, પણ એ પૂર્વે જ આ ફિલ્મ જુદા જુદા કારણોસર ચર્ચામાં છે. ફિલ્મના કલાકારો, ખાસ કરીને અજય દેવગને લીધેલી વળતરની રકમ વિશે ઈન્ડસ્ટ્રીમાં ચર્ચા થઈ રહી છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત સિદ્ધાર્થ મલ્હોત્રા, રકુલ પ્રીત સિંહ પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. ‘થેંક ગોડ’નું કુલ બજેટ રૂ.60-70 કરોડનું હોવાનું કહેવાય છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, ફિલ્મના બજેટપૈકી અડધા ભાગની રકમ અજય દેવગને લીધી હોવાનું કહેવાય છે. એણે 35 કરોડ રૂપિયાનું વળતર લીધું છે. સિદ્ધાર્થ મલ્હોત્રાને 7 કરોડ અને રકુલ પ્રીતને 3-4 કરોડ મળ્યા હોવાનું કહેવાય છે. ફિલ્મમાં અજય દેવગને તમામ પાપ અને પુણ્યના હિસાબ રાખતા ચિત્રગુપ્તની ભૂમિકા કરી છે. સિદ્ધાર્થે અયાન કપૂર નામના યુવકની અને રકુલ પ્રીતે રુહી કપૂરની ભૂમિકા કરી છે. કિકૂ શારદા અને સીમા પાહવા ફિલ્મના અન્ય કલાકારો છે. નોરા ફતેહી ફિલ્મનું એક અલગ આકર્ષણ છે. એણે એક આઈટમ સોંગ કર્યું છે.

થેંક ગોડના દિગ્દર્શક ઈન્દ્ર કુમાર ઉપર આરોપ છે કે એમણે હિન્દુ લોકોની ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે. ફિલ્મના ટ્રેલરમાં ચિત્રગુપ્ત મહારાજની મજાક ઉડાડવામાં આવી છે એવો આરોપ મૂકીને અજય દેવગન, ઈન્દ્ર કુમાર અને સિદ્ધાર્થ મલ્હોત્રા વિરુદ્ધ ઉત્તર પ્રદેશના જૌનપુરની કોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. કોર્ટે સુનાવણી માટે 18 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.