ચેન્નાઈઃ બે ‘બાહુબલી’ ફિલ્મ બાદ ભારતભરમા સુપરસ્ટાર બની ગયેલા દક્ષિણી ફિલ્મોના અભિનેતા પ્રભાસ સોશિયલ મિડિયા પર અન્યો જેટલો સક્રિય નથી. તે માત્ર પોતાની ફિલ્મો વિશે અપડેટ્સ શેર કરવા માટે જ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટનો ઉપયોગ કરે છે. અંગત જીવનને લગતી માહિતી તે ભાગ્યે જ શેર કરતો હોય છે. ગઈ કાલે રાતે એના ફેસબુક પેજને હેક કરવામાં આવ્યું હતું. હેકર્સે તેમાં બે વાઈરલ વિડિયો શેર કર્યા હતા અને તેની કેપ્શન્સમાં આવું લખ્યું હતું; ‘અનલકી હ્યુમન્સ’ અને ‘બોલ ફેલ્સ અરાઉન્ડ ધ વર્લ્ડ.’
પોતાના ફેસબુક પેજ સાથે છેડછાડ કરવામાં આવી હોવાનો પ્રભાસે એકરાર કર્યો છે અને એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી છે જેમાં આવું વંચાય છેઃ ‘દરેકને હેલ્લો. મારા ફેસબુક પેજ સાથે છેડછાડ કરવામાં આવી છે. ટીમ આનો ઉકેલ શોધી રહી છે.’
પ્રભાસના હેક્ડ કરાયેલા ફેસબુક પેજ વિશે ઘણા નેટયૂઝર્સે મજાકીયા કમેન્ટ્સ લખી છે. એક જણે લખ્યું છે, ‘અનલકી હ્યુમન્સ (કમનસીબ માનવીઓ) એ છે જેમણે આદિપુરુષ ફિલ્મ જોઈ છે.’ (ઉલ્લેખનીય છે કે ઓમ રાઉત દ્વારા દિગ્દર્શિત ‘આદિપુરુષ’ ફિલ્મ બકવાસ સંવાદો અને વિઝ્યુઅલ્સ તેમજ પાત્રોના કંગાળ ચિત્રણને કારણે બોક્સ ઓફિસ પર પીટાઈ ગઈ છે. પ્રભાસની ઉપરાછાપરી ત્રણ ફિલ્મ ફ્લોપ ગઈ છે – સાહો, રાધે શ્યામ અને આદિપુરુષ)