નવી દિલ્હી – શાહરૂખ ખાન અને આમિર ખાન સહિતના ઘણા બોલીવૂડ કલાકારો અને હસ્તીઓએ ગઈ કાલે સાંજે અહીં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી.
પ્રસંગ હતો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતીની ઉજવણી માટે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન 7, લોક કલ્યાણ માર્ગ ખાતે આયોજિત એક ખાસ કાર્યક્રમ. ગાંધીજીના આદર્શોના પ્રચાર માટે વડા પ્રધાન મોદીએ આદરેલી ઝુંબેશનું નામ છે ‘ચેન્જ વિધિન’ (અંતરથી પરિવર્તન).
તે કાર્યક્રમમાં પીએમ મોદી, શાહરૂખ ખાન અને આમિર ખાને સંબોધન કર્યું હતું અને બોલીવૂડ કલાકારોએ વડા પ્રધાન મોદી સાથે સેલ્ફી લીધી હતી.
વડા પ્રધાને કહ્યું હતું કે રચનાત્મક્તાની શક્તિ અદ્દભુત છે અને તે આપણા દેશ માટે રચનાત્મક્તાના જુસ્સાને વધારે એ જરૂરી છે. મહાત્મા ગાંધીના આદર્શોનો પ્રસાર કરવા માટે આજે દુનિયાભરમાં અનેક ફિલ્મી અને ટેલિવિઝન સિતારાઓ ઘણું જ સારું કાર્ય બજાવી રહ્યાં છે.
શાહરૂખ ખાને પોતાના સંબોધનમાં કહ્યું હતું કે આપણને સૌને અહીંયા સાથે લાવવા બદલ હું વડા પ્રધાન મોદીનો આભાર માનું છું, કારણ કે આ પ્રસંગ છે મહાત્મા ગાંધીને લગતો. મને લાગે છે કે આપણે ગાંધીજીના વિચારોનો ભારત તથા વિશ્વમાં નવેસરથી પ્રભાવ ઉભો કરવાની જરૂર છે.
આમિર ખાને ગાંધીજીના વિચારોને જન-જન સુધી પહોંચાડવાની ઝુંબેશ શરૂ કરવા બદલ વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે કલા-સંસ્કૃતિ ક્ષેત્ર સાથે જોડાયેલા અમે લોકો આ ઝુંબેશને સફળ બનાવવા માટે અમારું યોગદાન આપીશું.
આ કાર્યક્રમમાં સોનમ કપૂર, કંગના રણૌત, બોની કપૂર, અશ્વિની ઐયર તિવારી, એકતા કપૂર, જેક્લીન ફર્નાન્ડિસ, કરણ જોહર, આનંદ એલ. રાય, કપિલ શર્મા, ઈમ્તિયાઝ અલી, અનુરાગ બાસુ જેવા ફિલ્મ જગતનાં નામાંકિત લોકો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે બોલીવૂડના કલાકારોને અપીલ કરી હતી કે તેઓ ગુજરાતના દાંડી નગરમાં જઈને મહાત્મા ગાંધીનાં જીવન વિશે બનાવવામાં આવેલા મ્યુઝિયમની મુલાકાત લે.