મુંબઈ – પાકિસ્તાનનાં કન્યા કેળવણી માટેનાં મહિલા ચળવળકાર તથા નોબેલ શાંતિ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈએ સ્ત્રીઓનાં માસિક ચક્ર વખતે સ્વચ્છતા જાળવવાની સાથોસાથ એવી સ્ત્રીઓની અવગણના ન કરવાનો સંદેશ આપતી બોલીવૂડની ફિલ્મ ‘પેડ મેન’ની પ્રશંસા કરી છે. હવે ‘પેડ મેન’નાં નિર્માતાઓ મલાલા માટે આ ફિલ્મનો સ્પેશિયલ શો યોજવાની તૈયારી કરી રહ્યા છે, એવું ફિલ્મના દિગ્દર્શક આર. બાલ્કીએ કહ્યું છે.
‘અમારી ફિલ્મ માટે મલાલાએ સમર્થન વ્યક્ત કર્યું છે એનાથી વધારે ખુશી અમને બીજી કઈ હોઈ શકે. અમે ગર્વની લાગણીનો અનુભવ કરી રહ્યા છીએ. એમનાં સમર્થનને લીધા ‘પેડ મેન’નો સંદેશો વધારે પ્રસરાશે. હવેથી માસિક ધર્મની સમસ્યા મામલે કોઈ પ્રકારનો છોછ નહીં રહે કે પીરિયડ્સમાં બેસતી સ્ત્રીઓ સાથે સમાજમાં આભડછેડ જેવો વ્યવહાર રખાશે નહીં. આ સંદેશાને આગળ વધારવા માટે અમને મલાલા જેવી અગ્રગણ્ય હસ્તીનાં સમર્થનની જરૂર હતી અને એ અમને પ્રાપ્ત થયું છે,’ એમ બાલ્કી કહે છે.
બાલ્કીએ વધુમાં એમ પણ કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે અમે મલાલા માટે ‘પેડ મેન’ના સ્પેશિયલ શોનું વહેલી તકે આયોજન કરીશું. એ માટેની યોજના ઘડાઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં ‘પેડ મેન’ ફિલ્મને રજૂ કરવા પર ત્યાંના સેન્સર બોર્ડે પ્રતિબંધ મૂક્યો છે. એના સભ્યોની એવી દલીલ છે કે આ ફિલ્મ પાકિસ્તાનની સંસ્કૃતિની વિરુદ્ધમાં છે.
‘પેડ મેન’ ફિલ્મના અભિનેતા અક્ષય કુમારની પત્ની અને ‘પેડ મેન’ની નિર્માત્રી ટ્વિન્કલ ખન્ના ફિલ્મના પ્રમોશન માટે તાજેતરમાં લંડનમાં ઓક્સફર્ડ યુનિવર્સિટી ખાતે ગઈ હતી અને ત્યાં ઓક્સપર્ડ યુનિયનના વિદ્યાર્થીઓને મળી હતી. એ કાર્યક્રમમાં મલાલા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બંને મહિલાએ વિદ્યાર્થીઓની સાથે, હાથમાં સેનિટરી પેડ્સ પકડીને તસવીરકારોને પોઝ આપ્યાં હતાં.
‘પેડમેન’ ફિલ્મ તામિલનાડુના અરૂણાચલમ મુરુગનાથમ નામના એક સામાન્ય નાગરિકમાંથી બનેલા કારખાનેદારની બાયોપિક છે. જેમાં અક્ષય કુમારે એક સામાજિક કાર્યકરનો રોલ કર્યો છે. અક્ષય ફિલ્મમાં મહિલાઓની પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓને લઇને જાગરૂકતા પર કામ કરતો જોવા મળે છે. ફિલ્મમાં મહિલાઓને માટે સેનેટરી નેપ્કિન્સ બનાવતાં મશીન બનાવીને ગ્રામીણ વિસ્તારમાં જાગરૂકતા ફેલાવવા માટેના મુરુગનાથમના સંધર્ષને બતાવવામાં આવ્યો છે.
સ્ત્રીઓને માસિક ચક્ર વખતે રક્તસ્ત્રાવ થાય ત્યારે લોહીનાં ડાઘ દેખાય નહીં તે માટે ભારતમાં સામાન્ય રીતે સ્ત્રીઓ જૂનાં થઈ ગયેલાં કપડાંનો ઉપયોગ કરતી હોય છે. બજારમાં ઉપલબ્ધ સેનિટરી પેડ કે સેનિટરી નેપ્કિન્સ સ્ત્રીઓને માસિક ચક્ર વખતે થતા રક્તસ્ત્રાવને શોષી લે છે, પરંતુ એની કિંમત ખૂબ વધુ હોય છે તેથી મોટા ભાગની સ્ત્રીઓને એ પરવડતાં નથી.
સ્ત્રીના જીવન સાથે જોડાયેલી આ સાહજિક પ્રક્રિયા વિશેની સભાનતા અને જાગૃતિની જરૂર માત્ર સ્ત્રીને જ નહિ, પુરુષોને પણ છે.