‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ પર કંગનાએ દીપિકાને આડે હાથ લીધી

નવી દિલ્હીઃ 10 ઓક્ટોબરે ‘વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે’ ઊજવવામાં આવે છે. આ પ્રસંગે કંગના રણોતે સોશિયલ મિડિયા પર નામ લીધા વગર દીપિકા પાદુકોણ પર નિશાન સાધ્યું હતું. કંગનાએ ટ્વીટ કરતાં ફેન્સને એની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’ જોવાની અપીલ કરી હતી. દીપિકા વિશે તેણે વગર નામ લેતાં કહ્યું હતું કે ‘એ જે ડિપ્રેશનની દુકાન ચલાવે છે.’

ટ્વીટમાં કંગનાએ લખ્યું હતું કે ‘ફિલ્મ અમે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે બનાવી હતી, એને લોકોએ કોર્ટમાં ખેંચી ગયા- જે ડિપ્રેશનની દુકાન ચલાવે છે, મિડિયા બેન પછી ફિલ્મનું નામ બદલવામાં આવ્યું, જેનાથી એના માર્કેટિંગ પર બહુ અસર પડી, પણ આ એક સારી ફિલ્મ છે અને એને આજે જ જુઓ.’

બીજી બાજુ, દીપિકા પાદુકોણ મેન્ટલ હેલ્થ વિશે ઘણી ચર્ચા કરે છે. તે અનેક વાર પબ્લિક પ્લેટફોર્મ પર પોતાના ડિપ્રેશનની સમસ્યા વિશે વાત કરી ચૂકી છે અને સોશિયલ મિડિયા પર મેન્ટલ હેલ્થ અવેરનેસ વિશે ઘણુબધું લખે છે. કેટલાક દિવસો પહેલાં દીપિકા પાદુકોણએ ડિપ્રેશનની ઉપર એક પોસ્ટ લખી હતી, જેના જવાબમાં એની ભાષામાં કંગનાએ સીધી દીપિકાને ટાર્ગેટ કરી હતી.

પ્રકાશ કોવેલામુડીના ડિરેક્શનમાં બનેલી કંગનાની ફિલ્મ ‘જજમેન્ટલ હૈ ક્યા’માં રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં હતો. ફિલ્મમાં જિમી શેરગિલ, અમાયરા દસ્તૂર અને અમૃતા પુરી પણ સપોર્ટિંગ રોલમાં હતા. પહેલાં આ ફિલ્મનું નામ ‘મેન્ટલ હૈ ક્યા’ રાખવામાં આવ્યું હતું, પરંતુ કેટલાંક સામાજિક સંગઠનોના વિરોધ પછી એનું નામ બદલવામાં આવ્યું હતું. આ ફિલ્મ 26 જુલાઈ, 2019એ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મે 33 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.