નવી દિલ્હી – દેશની સર્વોચ્ચ અદાલતે આજે બોલીવૂડ સુપરસ્ટાર અને આગામી હિન્દી ફિલ્મ ‘લવયાત્રી’ના નિર્માતા સલમાન ખાનને મોટી રાહત આપી છે. કોર્ટે કહ્યું છે કે આ ફિલ્મ અને તેની નિર્માતા કંપની સલમાન ખાન વેન્ચર્સ પ્રાઈવેટ લિમિટેડ વિરુદ્ધ દેશમાં કોઈએ પણ ક્યાંય સખ્તાઈભર્યું પગલું ભરવું નહીં.
દેશના ચીફ જસ્ટિસ દિપક મિશ્રાની આગેવાની હેઠળની બેન્ચે એ રજૂઆતને ધ્યાનમાં લીધી હતી કે આવતી પાંચમી ઓક્ટોબરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ ‘લવયાત્રી’ને સેન્સર બોર્ડ (સીબીએફસી)એ પાસ કરી દીધી છે. તે છતાં બિહારમાં એક એફઆઈઆર નોંધવામાં આવી છે અને વડોદરા શહેરમાં એક ક્રિમિનલ કેસ કરાયો છે.
બેન્ચે નિર્માતાની એ વિનંતીની નોંધ લેતા કહ્યું કે ફિલ્મની સામગ્રી તથા શિર્ષક સંબંધિત કોઈ પણ બાબત સામે કોઈએ સખ્તાઈભર્યું પગલું ભરવું નહીં.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ હિન્દુઓની ધાર્મિક લાગણીને દુભાવે છે એવો આક્ષેપ કરીને તેની વિરુદ્ધમાં અનેક ખાનગી ક્રિમિનલ ફરિયાદો નોંધવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ફિલ્મ તથા ફિલ્મના નિર્માતાઓ સામે કોઈએ એફઆઈઆર નોંધવી નહીં.
આ ફિલ્મનું નામ પહેલાં ‘લવરાત્રી’ હતું, પણ વિવાદ થતાં એને બદલીને ‘લવયાત્રી’ કર્યું છે.
આ ફિલ્મમાં સલમાન ખાનનો બનેવી આયુષ શર્મા અને વારિના હુસૈન કલાકારો તરીકે બોલીવૂડમાં એન્ટ્રી કરી રહ્યાં છે.