નીતિશ ભારદ્વાજ ફરી પ્રસ્તુત થશે શ્રીકૃષ્ણનાં રોલમાં

0
878

મુંબઈ – 1980ના દાયકાના અંતભાગમાં નિર્માતા-દિગ્દર્શક બી.આર. ચોપરાની ધાર્મિક ટીવી સિરિયલ ‘મહાભારત’માં હિન્દુધર્મીઓનાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા કરનાર અભિનેતા નીતિશ ભારદ્વાજ ફરી એ જ રોલ ભજવતા જોવા મળવાના છે.

આ વખતે તેઓ એક નાટકમાં ભગવાન શ્રીકૃષ્ણનો રોલ કરી રહ્યા છે.

આ નાટક છે ‘ચક્રવ્યૂહ’. જેનું દિગ્દર્શન કરી રહ્યા છે અતુલ સત્ય કૌશિક.

આધુનિક જીવનમાં મહાભારતની કથા કઈ રીતે સુસંગત છે એ વિશેના સવાલોનાં જવાબ આ નાટક દ્વારા રજૂ કરવામાં આવશે.

56 વર્ષીય નીતિશ ભારદ્વાજે કહ્યું કે હું હંમેશાં માનતો આવ્યો છું કે મહાભારતની કથાઓ આજનાં કળયુગમાં પણ એટલી જ સુસંગત છે.

ભારદ્વાજે કહ્યું કે 1988-90ની ટેલિ-સીરિઝ ‘મહાભારત’માં ભગવાન શ્રીકૃષ્ણનો રોલ ભજવવા માટે એમણે કૃષ્ણને સમજવા માટે ઘણું સાહિત્ય વાંચ્યું હતું, ઘણા પુસ્તકો વાંચ્યા હતા.

ભારદ્વાજ થોડાક સમય માટે રાજકારણમાં પ્રવેશ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેઓ સંસદસભ્ય પણ બન્યા હતા. છેલ્લે, 2016માં તેઓ આશુતોષ ગોવારીકર દિગ્દર્શિત ‘મોહેંજો દરો’ ફિલ્મમાં દેખાયા હતા.

‘ચક્રવ્યૂહ’ નાટક શનિવારે અને રવિવારે દિલ્હીમાં રજૂ થવાનું છે.