મુંબઈ – હિન્દી ફિલ્મોના જાણીતા ગુજરાતી અભિનેતા, લેખક અને દિગ્દર્શક નીરજ વોરાનું અવસાન થયું છે. એ 54 વર્ષના હતા અને 2016માં બ્રેઈન સ્ટ્રોકને કારણે એ લાંબા સમયથી કોમામાં હતા.
નીરજ વોરાએ આજે વહેલી સવારે લગભગ 4 વાગ્યે અંધેરીની ક્રિટીકેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો હતો. આ હોસ્પિટલમાં એ છેલ્લા ચાર દિવસથી વેન્ટીલેટર પર હતા.
વોરાની દેખભાળ છેલ્લા કેટલાક મહિનાઓથી નિર્માતા ફિરોઝ નડિયાદવાલા કરતા હતા.
નીરજ વોરાનાં અંતિમ સંસ્કાર આજે બપોરે 3 વાગ્યે સાંતાક્રુઝ સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવ્યા હતા.
1963ની 22 જાન્યુઆરીએ કચ્છ જિલ્લાના ભુજમાં જન્મેલા નીરજ વોરાએ આમિર ખાન, જેકી શ્રોફ, ઉર્મિલા માતોંડકર અભિનીત ‘રંગીલા’ ફિલ્મની પટકથા લખી હતી અને દર્શકોએ વખાણેલી કોમેડી ફિલ્મ ‘હેરાફેરી’નું દિગ્દર્શન કર્યું હતું.
બ્રેઈન સ્ટ્રોકને કારણે કોમામાં સરી પડ્યા ત્યારે નીરજ વોરા ‘હેરા ફેરી 3’ ફિલ્મ માટે કામ કરી રહ્યા હતા.
વોરાએ રન ભોલા રન, હેરા ફેરી 3, શોર્ટકટ, ફેમિલીવાલા, ફિર હેરા ફેરી, ખિલાડી 420 ફિલ્મોનું દિગ્દર્શન કર્યું હતું. દૌડ (1997), હેરા ફેરી (2000), યે તેરા ઘર યે મેરા ઘર, ગોલમાલ (2006)ની પટકથા લખી હતી અને એમણે જેમાં અભિનય કર્યો હતો એ ફિલ્મો છેઃ વેલકમ બેક, બોલ બચ્ચન, કમાલ ધમાલ માલામાલ, ડિપાર્ટમેન્ટ, તેઝ, ખટ્ટામીઠા, ના ઘર કે ના ઘાટ કે, મૈંને દિલ તુઝકો દિયા, તુમસે અચ્છા કૌન હૈ, કંપની, યે તેરા ઘર યે મેરા ઘર, ધડકન, હર દિલ જો પ્યાર કરેગા, જંગ, પુકાર, મસ્ત, હેલ્લો બ્રધર, બાદશાહ, મન, સત્યા, દૌડ, વિરાસત, અકેલે હમ અકેલે તુમ, રંગીલા, રાજુ બન ગયા જેન્ટલમેન અને હોલી.