‘ટાઈગર ઝિંદા હૈ’નો એક્શન પ્રોમો રિલીઝ; વરુ સાથે લડતો જોવા મળે છે સલમાન

મુંબઈ – સલમાન ખાનને મુખ્ય ભૂમિકામાં રજૂ કરતી હિન્દી ફિલ્મ ‘ટાઈગર ઝિંદા હૈ’નો એક્શન પ્રોમો આજે અહીં રિલીઝ કરવામાં આવ્યો છે.

સલમાન અને કેટરીના કૈફને ચમકાવતી આ ફિલ્મ આવતી 22 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ ફિલ્મ 2012માં આવેલી ‘એક થા ટાઈગર’ ફિલ્મની સિક્વલ છે.

નિર્માતાઓએ ‘ટાઈગર ઝિંદા હૈ’ના અનેક પોસ્ટર અને ગીત રિલીઝ કર્યા બાદ હવે એક્શન પ્રોમો રિલીઝ કરીને સલમાનનાં ચાહકોની ઉત્સૂકતા વધારી દીધી છે.

આજે રિલીઝ કરાયેલા પ્રોમોમાં સલમાનને વરુઓ સાથે લડતો બતાવવામાં આવ્યો છે.  સલમાને સોશિયલ મિડિયા પર આ પ્રોમોને શેર કરતાં લખ્યું છે, ‘વરુઓ તો ઘણા હોય છે, પણ ટાઈગર માત્ર એક જ હોય છે… હું આવી રહ્યો છું.’

‘એક થા ટાઈગર’ ફિલ્મની વાર્તા ભારતીય ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ પર આધારિત હતી, જે તેના મિશન દરમિયાન પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની મહિલા જાસૂસનાં પ્રેમમાં પડે છે.

‘ટાઈગર ઝિંદા હૈનું શૂટિંગ ઓસ્ટ્રિયા અને અબૂ ધાબીનાં સુંદર લોકેશન્સ પર કરવામાં આવ્યું છે.

ફિલ્મના માર-ધાડના દ્રશ્યોનું દિગ્દર્શન ટોમ સ્ટુધર્સે કર્યું છે, જેમણે ‘ધ ડાર્ક નાઈટ’ અને ‘ઈન્સેપ્શન’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

httpss://www.youtube.com/watch?v=9dSxRSbEZd4