મુંબઈઃ ફિલ્મનિર્માતા મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મ ‘नय वरण भट लोंचा कोन कोंचा’ (Nay Varan Bhat Loncha Kon Nay Koncha)ને લઈને વિવાદ થયો છે. નેશનલ કમિશન ફોર વુમને (NCWએ) ફિલ્મનિર્માતા મહેશ માંજરેકરની મરાઠી ફિલ્મના ટ્રેલરને લઈને નારાજગી વ્યક્ત કરી છે. તેમણે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. આ ફિલ્મ 14 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.
આ ફિલ્મના ટ્રેલરને લઈને પંચને મહારાષ્ટ્રના એક ઓર્ગેનાઇઝશનની ફરિયાદ મળી છે. જેથી NCWનાં વડાં રેખા શર્માએ ફિલ્મના ટ્રેલરમાં બોલ્ડ અને સેક્સ્યુઅલી દ્રશ્યોને સેન્સર કરવા માટે માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવને એક પત્ર લખ્યો હતો. આ પત્રની એક કોપી તેમણે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC)ના ચેરમેન પ્રસૂન જોષીએ પણ મોકલી આપી છે.
આ ફરિયાદમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે 10 જાન્યુઆરીએ રિલીઝ થયેલા ફિલ્મના ટ્રેલરમાં મહિલાઓ સંબંધિત વાંધાજનક દ્રશ્ય અને અશ્લીલતા દેખાડવામાં આવી છે. તેમણે એ પણ કહ્યું હતું કે આ ટ્રેલરને દર્શકો માટે વયમર્યાદા રાખ્યા વિના સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર બતાવવામાં આવી રહ્યું છે અને એ સગીર વયનાં બાળકો માટે પણ એ ઉપલબ્ધ છે. વળી, આ ફિલ્મ ક્રાઇમ થ્રિલર છે અને એનું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે. આ ફિલ્મનું શૂટિંગ રોગચાળા દરમ્યાન કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું હતું કે આ ફિલ્મ મારી સૌથી સારી ફિલ્મોમાંની એક છે.
જોકે NCWએ માહિતી અને પ્રસારણ મંત્રાલયને અને CBFCને આ મુદ્દે જે પગલાં લેવામાં આવે એ વિશે અપડેટ કરવા વિનંતી કરી હતી.