મુંબઈઃ બોલીવુડ અભિનેતા વિવેક ઓબેરોય સાથે રૂ. એક કરોડ અને 55 લાખની રકમની છેતરપીંડી કરવા બદલ પોલીસે વિવેકના ભૂતપૂર્વ બિઝનેસ ભાગીદાર સંજય સહાની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વિવેકની કંપની ઓબેરોય મેગા એન્ટરટેનમેન્ટ એલએલપીએ પાર્ટનર સંજય સહા, નંદિતા સહા, રાધિકા નંદા તથા અન્ય વિરુદ્ધ ગયા જુલાઈ મહિનામાં પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે આઈપીસીની કલમો 420, 406, 409, 34 અંતર્ગત ફરિયાદ નોંધી હતી. વિવેકના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ દેવેન બાફનાએ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ વિવેકની એક ઈવેન્ટ મેનેજમેન્ટ અને ફિલ્મ નિર્માણ કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું હતું અને તેમાંથી નફો આપવાનું વચન આપ્યું હતું, પરંતુ બાદમાં આરોપીઓએ તે રકમનો ખોટી રીતે ઉપયોગ કર્યો હતો. પોલીસે આનંદિતા એન્ટરટેનમેન્ટના ત્રણ આરોપી ડાયરેક્ટરમાંના એકની ધરપકડ કરી છે. શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં સંજય સહા સામે છેતરપીંડીને લગતા બીજા અનેક કેસ નોંધવામાં આવ્યા છે. પોલીસે એને રીમાન્ડ પર લીધો છે અને વધુ તપાસ કરી રહી છે.
વિવેક ઓબેરોયે ફિલ્મ ઉદ્યોગમાં બિઝનેસ કરવા માટે 2020માં સહા સાથે ભાગીદારી કરી હતી. બંને જણે અનેક નિર્ણયો લીધા હતા અને સહાની કંપની આનંદિતા એન્ટરટેનમેન્ટ દ્વારા એક ફિલ્મ બનાવવાનું નક્કી કરાયું હતું. વિવેકે 2020-2021માં સંજય સહાની કંપનીમાં રૂ. 95 લાખનું મૂડીરોકાણ કર્યું હતું. સહાની કંપનીએ એક્ટર નવાઝુદ્દીન સિદ્દિકી સાથે મળીને 2021ના માર્ચમાં એક ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું હતું. વિવેકે નવાઝુદ્દીનને રૂ. 51 લાખ ચૂકવ્યા હતા. તે ઉપરાંત લેખક અને ડાયરેક્ટરને પણ પૈસા ચૂકવ્યા હતા. પરંતુ એ દરમિયાન વિવેકને માલુમ પડ્યું હતું કે સંજય સહાએ પોતાની સાથે છેતરપીંડી કરી છે.