‘લાલસિંહ ચઢ્ઢા’ જોઈને મોન્ટી પાનેસર ભડક્યો

લંડનઃ ભારતીય મૂળનો શીખ પણ ઈંગ્લેન્ડનો વતની હોઈ તેની ક્રિકેટ ટીમ વતી રમનાર મોન્ટી પાનેસર આમિર ખાન અભિનીત અને નિર્મિત હિન્દી ફિલ્મ ‘લાલસિંહ ચઢ્ઢા’ જોઈને રોષે ભરાયો છે અને પોતાનો રોષ ટ્વિટર પર પ્રદર્શિત કર્યો છે. આ ફિલ્મનો બહિષ્કાર કરવા સામે ભારતમાં પણ સોશ્યલ મીડિયા પર ઝુંબેશ ચલાવવામાં આવી છે. ઈંગ્લેન્ડનો ભૂતપૂર્વ ક્રિકેટર મોન્ટી પાનેસર પણ #BoycottLalSinghChadda ટ્રેન્ડમાં સામેલ થયો છે. આ ફિલ્મ જોઈને એણે કહ્યું છે કે આ ફિલ્મ ભારતીય સેના અને શીખ સમાજનું અપમાન કરે છે.

ઉલ્લેખનીય છે કે, ‘લાલસિંહ ચઢ્ઢા’ 1994માં આવેલી હોલીવુડની ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની હિન્દી રીમેક છે. એમાં ઓછા બુદ્ધિઆંક (IQ)પીડિત વ્યક્તિઓને યૂએસ આર્મીમાં સામેલ કરવાની વાર્તા છે. મોન્ટીનું કહેવું છે કે, ફોરેસ્ટ ગમ્પ અમેરિકન સૈન્યમાં ફિટ એટલા માટે બેસે છે કે વિયેટનામ યુદ્ધ માટે જરૂરિયાતોને પહોંચી વળવા માટે અમેરિકામાં ઓછી IQ ધરાવનાર વ્યક્તિઓને ભરતી કરવામાં આવતી હતી. તેથી એના પરથી હોલીવૂડની ફિલ્મ બને એ વાત સ્વીકારી શકાય, પરંતુ ભારતીય સૈન્ય વિશે તે અર્થહીન છે. આ ફિલ્મ શીખ સમુદાય અને ભારતીય સૈન્યનું અપમાન કરે છે. લાલસિંહ ચઢ્ઢામાં આમિરે એક મૂર્ખનો રોલ ભજવ્યો છે. ફોરેસ્ટ ગમ્પ પણ મૂર્ખ હતો. અપમાનજનક, શરમજનક. 

મોન્ટી, જે હવે ટીવી/મીડિયા પર્સનાલિટી છે અને સ્પોર્ટ્સ પત્રકાર છે, એ ઈંગ્લેન્ડ વતી 50 ટેસ્ટ મેચ અને 26 વન-ડે ઈન્ટરનેશનલ મેચો રમ્યો હતો. એ દરમિયાન તેણે અનુક્રમે 167 અને 24 વિકેટ લીધી હતી.