મુંબઈઃ લોકડાઉનના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ પોલીસે ગઈ કાલે મોડલ-એક્ટ્રેસ પૂનમ પાંડેને અટકમાં લીધી હતી. પૂનમ ગઈ કાલે રાતે એનાં બોયફ્રેન્ડ સેમ એહમદ સાથે એક લક્ઝરી કારમાં ઘૂમતી હતી. દક્ષિણ મુંબઈના મરીન ડ્રાઇવ વિસ્તારમાં પોલીસે બંને અટકાવ્યા હતા અને લોકડાઉન નિયમનો ભંગ કરવા બદલ FIR નોંધી હતી. બંનેને અટકમાં લીધા બાદ પોલીસે એમને છોડી દીધા હતા.
પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે પૂનમ પોતાની કારમાં મરીન ડ્રાઇવ પર એમ જ ફરવા નીકળી હતી. પોલીસે પૂનમની કાર જપ્ત કરી લીધી છે. વરિષ્ઠ પોલીસ અધિકારી મૃત્યુંજય હિરેમઠે જણાવ્યું હતું કે પૂનમ પાંડે અને તેના બોયફ્રેન્ડ સેમ અહેમદ (46) સામે ભારતીય દંડ સંહિતા (આઈપીસી) કલમ 269 અને 188 તથા નેશનલ ડિઝાસ્ટર એક્ટની જોગવાઈ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
રૂમાલનો માસ્ક પહેરીને કિસ કરી
પૂનમ લોકડાઉનમાં બોયફ્રેન્ડની સાથે કેટલાય ફોટો અને વિડિયો સોશિયલ મિડિયા પર પોસ્ટ કરતી રહે છે. હાલમાં તેણે ચહેરા પર માસ્કની જેમ રૂમાલ પહેરીને બોયફ્રેન્ડ સેમને કિસ કરતો ફોટો પોસ્ટ કર્યો હતો. સોશિયલ મિડિયા પર તે વાઇરલ થયો હતો.
