ડ્રિન્ક-સિગારેટમાં ડ્રગ્સ ભેળવી મને આપ્યું હતું: સિદ્ધાંત કપૂર

બેંગલુરુઃ બોલીવૂડ એક્ટર શક્તિ કપૂરના પુત્ર સિદ્ધાંત કપૂરે પોલીસ સામે ડ્રગ્સ મામલે સફાઈ રજૂ કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે તેણે ડ્રગ નથી લીધું, પણ તેને તેના મિત્રએ તેના ડ્રિન્કમાં ડ્રગ્સ મિક્સ કરીને તેને પીવડાવ્યું હતું, જે વિશે તે અજાણ હતો. પોલીસે સોમવારે બેંગલુરુની એક હોટેલમાંથી સિદ્ધાંત કપૂર સહિત પાંચ વ્યક્તિઓની પાર્ટીમાં ડ્રગ્સ લેવા બદલ ધરપકડ કરી હતી. જોકે સિદ્ધાંતને જામીન મળી ગયા છે. તેની સાથે અન્ય ચાર લોકોને પણ જામીન મળી ગયા છે.સિદ્ધાંત કપૂરે પોલીસની પૂછપરછ દરમ્યાન જણાવ્યું હતું કે કોઈકે તેને ડ્રગ્સ સાથે ડ્રિન્ક અને સિગારેટ આપી હતી. તેને ડ્રિન્ક્સમાં ડ્રગ્સ કોણે મેળવ્યું હોવાની માહિતી નહોતી. તેણે પોલીસ તપાસ દરમ્યાન કહ્યું હતું કે તે ઘણી વાર બેંગલુરુમાં DJની પાર્ટીમાં હાજર રહ્યો છે. સિદ્ધાંત ચોથી વાર એ હોટલમાં ગયો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. અમે મહેમાનોનું લિસ્ટ ચેક કરી રહ્યા છીએ અને શંકાસ્પદ વ્યક્તિઓની તપાસ કરી રહ્યા છીએ, એમ DCP (પૂર્વ) ભીમાશંકરે જણાવ્યું હતું.

સિદ્ધાંતે પોલીસને જણાવ્યું હતું કે તેના અનેક મિત્રો બેંગલુરુમાં રહે છે. પોલીસે તેનો મોબાઇલ ફોન પણ જપ્ત કરી લીધો હતો. પોલીસ આ કેસમાં ડ્રગ પેડલિંગ એંગલથી પણ તપાસ કરી રહી છે. પોલીસે હોટેલના માલિક અને રેવ પાર્ટીના આયોજકને પણ નોટિસો મોકલી આપી છે. આ ઉપરાંત ઇવેન્ટ મેનેજમેન્ટના પ્રતિનિધિઓને પણ પૂછપરછ માટે પોલીસે બોલાવ્યા છે.

(તસવીર પ્રતીકાત્મક છે)

સિદ્ધાંત કપૂરની સાથે પોલીસે માઇન્ડ ફાયર સોલ્યુશન્સના બિઝનેસ મેનેજર અખિલ સોની, ઉદ્યોગપતિ હરજોત સિંહ, ડિજિટલ માર્કેટિંગ એન્ટરપ્રુનર હની અને ફોટોગ્રાફર અખિલની ધરપકડ કરી છે. પોલીસે  તેમની રેવ પાર્ટીમાં તેમની પાસેથી સાત ગ્રામ MDMA ક્રિસ્ટલ્સ અને 10 ગ્રામ મારીજુઆના જપ્ત કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ લોકોના મેડિકલ ટેસ્ટમાં કન્ફર્મ થયું હતું કે તેમણે ડ્રગ્સ લીધું હતું.