‘સિર્ફ એક બંદા કાફી હૈ’ને શું હવે થિયેટરોમાં પણ રજૂ કરાશે?

મુંબઈઃ મનોજ બાજપેઈને વકીલના રોલમાં ચમકાવતી કોર્ટ કાર્યવાહી પર આધારિત હિન્દી ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ઓટીટી પ્લેટફોર્મ પર હાલમાં સ્ટ્રીમ થઈ છે અને તેને વિવેચકો અને દર્શકો, એમ બંને તરફથી વ્યાપકપણે સરસ પ્રતિસાદ મળ્યો છે. અપૂર્વ સિંહ કાર્કી દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે. તેમાં એક સ્વયંઘોષિત આધ્યાત્મિક ગુરુ દ્વારા જાતીય શોષણનો ભોગ બનેલી એક છોકરીને ન્યાય અપાવવા માટે એક વકીલના જંગની વાર્તા છે.

આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર ગઈ 23 મેએ રિલીઝ થઈ છે. તેને હકારાત્મક રીવ્યૂ મળ્યા છે. શું આ ફિલ્મને થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે? આ સવાલના જવાબમાં દિગ્દર્શક કાર્કીએ કહ્યું, ‘એ વિશે હાલ અમારી વચ્ચે વાતચીત ચાલી રહી છે.’

‘સિર્ફ એક બંદા કાફી હૈ’ ફિલ્મમાં એક સાધારણ માનવી અને જોધપુરની સેશન્સ કોર્ટના વકીલ પી.સી. સોલંકીની વાર્તા છે જેઓ એક સગીર કન્યા પર બળાત્કારનો POCSO કાયદા (બાળકોને જાતીય અત્યાચાર, સતામણીથી રક્ષણ આપતા કાયદા) અંતર્ગતનો એક અસાધારણ કેસ એકલે હાથે લડે છે.

આ ફિલ્મ ન્યૂયોર્ક ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રસ્તુત કરવામાં આવનાર છે.