લતા મંગેશકરની તબિયત સુધારા પર છેઃ પરિવારજનોએ કરી સ્પષ્ટતા

મુંબઈ – સ્વરસામ્રાજ્ઞી તરીકે પ્રખ્યાત અને ભારત રત્ન સમ્માનિત લતા મંગેશકરનાં સ્વાસ્થ્ય અંગે સોશિયલ મિડિયા પર જે વ્યાકૂળતા અને ગભરાટ જોવા મળ્યાબાદ એમનાં પરિવાર તરફથી ખાસ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં જણાવાયું છે કે લતાજીની તબિયત હવે સુધારા પર છે.

લતાજીને છાતીમાં કફનો ભરાવો થવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

સત્તાવાર લતાજીનાં સત્તાવાર પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પ્રિય મિત્રો, તમને એ જણાવતા અમને આનંદ થાય છે કે આપની પ્રાર્થના અને શુભેચ્છાઓને કારણે લતાદીદીની તબિયત હવે ઘણી સારી છે. આપ સૌનો એ માટે આભાર. ઈશ્વર મહાન છે.

અગાઉ એવા અહેવાલો હતા કે લતા મંગેશકરની તબિયત ખૂબ જ નાજુક થઈ ગઈ છે અને એમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. અમુક અન્ય અહેવાલોમાં એવું જણાવાયું હતું કે લતાજીને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

તે છતાં એમનાં પરિવારે અહેવાલોને રદિયો આપ્યો હતો અને અંગતપણા માટેની વિનંતી કરી હતી.

લતાજીને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે એવા અહેવાલોને પણ પરિવારે રદિયો આપ્યો હતો અને કહ્યું કે હોસ્પિટલમાં જ એમને યોગ્ય સારવાર મળી રહી છે.

હિન્દી ફિલ્મ ક્ષેત્રની અનેક હસ્તીઓ સહિત સમગ્ર દેશ લતાજીનાં સુસ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યો છે.

લતાજી ગઈ 28 સપ્ટેંબરે 90 વર્ષનાં થયાં હતાં. એમણે હિન્દી ઉપરાંત ભારતની અસંખ્ય ભાષાઓમાં ગીતો ગાયાં છે.