પુલવામા હુમલાનાં શહીદ જવાનોનાં પરિવારોને સંગીતકાર ખય્યામે કરી આર્થિક મદદ

મુંબઈ – હિન્દી ફિલ્મોના પીઢ સંગીતકાર ખય્યામ એમના આયુષ્યના 92મા વર્ષમાં પ્રવેશ્યા છે. એમને પોતાનો જન્મદિવસ ઉજવવાની જરાય ઈચ્છા નથી થઈ અને કહ્યું છે કે એમણે પાંચ લાખ રૂપિયા એ જવાનોનાં પરિવારજનોની રાહત માટે દાનમાં આપ્યા છે જેઓ પુલવામાના ટેરર હુમલામાં શહીદ થયા છે.

મોહમ્મદ ઝહુર ‘ખય્યામ’ને આજે અહીં એમના નિવાસસ્થાને ‘બિગ ઉર્દૂ એવોર્ડ’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ એવોર્ડ એમને એનાયત કરાયા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં ખય્યામે કહ્યું કે પુલવામામાં જે બની ગયું એનાથી હું ખરેખર ખૂબ જ વ્યથિત થયો છું. એટલે જન્મદિવસ ઉજવવાની મને જરાય ઈચ્છા થતી નથી. આ હુમલામાં જે લોકોએ એમનાં પ્રિયજન ગુમાવ્યા છે એ પરિવારજનો માટે હું મારી ઊંડી દિલસોજી વ્યક્ત કરું છું.

18 ફેબ્રુઆરીએ 92મો જન્મદિવસ ઉજવનાર ખય્યામે કહ્યું છે કે મને આશા છે કે ભારત સરકાર આ પ્રશ્નો ઉકેલશે. અમે વડા પ્રધાનના રાહત ભંડોળમાં પાંચ લાખ રૂપિયા દાન આપવાનો નિર્ણય લીધો છે અને શહીદ જવાનોનાં પરિવારોને સહાયતા કરવા માટે અમારા ટ્રસ્ટ મારફત વધારે રકમનું દાન કરવાના છીએ.

ખય્યામે ‘કભી કભી’, ‘ઉમરાવ જાન’, ‘ત્રિશુલ’, ‘નૂરી’, ‘બાઝાર’ જેવી અનેક સફળ ફિલ્મોમાં સંગીત પિરસ્યું હતું.

દંતકથાસમા ગાયિકા લતા મંગેશકરે પણ ફોન કરીને ખય્યામને એમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા આપી હતી. ખય્યામે કહ્યું કે પોતે લતાજીને માતાની જેવો આદર કરે છે.