મુંબઈ પોલીસે કોવિડ-સુરક્ષા પોસ્ટરોમાં બોલીવુડ સિતારાઓને ચમકાવ્યાં

મુંબઈઃ શહેરમાં કોરોનાવાઈરસ બીમારીનો ફેલાવો અંકુશમાં રાખવા માટે મુંબઈ પોલીસ વિભાગ પણ તેનાથી બનતા તમામ પ્રયાસો કરે છે. કોવિડ-19 સામે સાવચેતી રાખવા માટે જનજાગૃતિ ફેલાવવા પોલીસતંત્રએ બોલીવુડના અમુક સિતારાઓની મદદ લીધી છે અને તેમને દર્શાવતાં કેટલાંક રમૂજી-રચનાત્મક પોસ્ટર રિલીઝ કર્યા છે.

કોવિડ-19 વિરુદ્ધની સાવચેતીઓ પ્રતિ નેટયૂઝર્સનું ધ્યાન આકર્ષિત કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરાયેલા વિશિષ્ટ પ્રકારના પોસ્ટરોના અંગ્રેજી લખાણ સાથે બોલીવુડના કલાકારોનાં ફોટા ચમકાવવામાં આવ્યા છે. સિતારાઓના નામ અને અટકને જનજાગૃતિ સંબંધિત વાક્યો સાથે ખૂબીપૂર્વક જોડવામાં આવ્યા છે. એક પોસ્ટરમાં કરીના કપૂર-ખાન અને સૈફ અલી ખાનને ચમકાવ્યાં છે તો અન્યોમાં અભિષેક બચ્ચન, આયુષમાન ખુરાના, સ્વ. દેવ આનંદ, અમિતાભ બચ્ચન, કાજોલ, સ્વ. રાજેશ ખન્ના, રણવીર સિંહ, દીપિકા પદુકોણ વગેરેને ચમકાવ્યાં છે. આ પોસ્ટરોને મુંબઈ પોલીસે તેનાં ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે.

દરેક પોસ્ટર સાથે પોલીસ વિભાગે બંધબેસતા સંવાદોવાળી રમૂજી કેપ્શન પણ લખી છે. જેમ કે, રાજેશ ખન્નાવાળા પોસ્ટર સાથેની કેપ્શનમાં લખ્યું છેઃ ‘પુષ્પા, આપણને નિયમ તોડનારાઓ જરાય પસંદ નથી.’ તો આયુષમાન ખુરાનાના પોસ્ટરની કેપ્શનમાં લખ્યું છેઃ ‘બી જ્યાદા સાવધાન. ‘ રણવીર સિંહના પોસ્ટરની કેપ્શનમાં લખ્યું છેઃ ‘ચીતે કી ચાલ, બાઝ કી નઝર ઔર વાઈરસ કે સ્પ્રેડ પર સંદેહ નહીં કરતે. કભી ભી ઈન્ફેક્ટ કર સકતા હૈ’