મુંબઈઃ ટ્વિટર કંપનીના પ્રવક્તાએ કહ્યું છે કે બોલીવૂડ અભિનેત્રી કંગના રણોતના ટ્વિટર એકાઉન્ટ દ્વારા ટ્વિટરના નિયમોનું સતત ઉલ્લંઘન કરાતાં એને કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રેરિત હિંસાની ઘટનાઓના સમાચારોના સંદર્ભમાં કંગનાએ કરેલા એક ટ્વીટને કારણે એનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોવાનું મનાય છે. પત્રકાર અને ભાજપના નેતા સ્વપન દાસગુપ્તાએ વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગયા રવિવારે જાહેર કરાયા બાદ બંગાળમાં ફાટી નીકળેલી હિંસા અંગે કરેલા એક ટ્વીટના પ્રત્યાઘાતમાં કંગનાએ લખ્યું હતું કે, ‘આ તો ભયાનક છે… ગુંડાગીરીનો ખાત્મો કરવા માટે આપણે સુપર ગુંડાગીરીની જરૂર છે… એ (ઈશારો મમતા બેનરજી તરફ) બેફામ બનેલી રાક્ષસી જેવી છે, એને કાબૂમાં લેવા માટે મોદીજી કૃપા કરીને 2000ની શરૂઆતમાં હતું એવું તમારું વિરાટ રૂપ બતાવો.’ ઘણા ટ્વિટર યૂઝર્સે કંગનાનાં એ ટ્વીટ વિશે ટ્વિટરના માધ્યમથી જ રોષ વ્યક્ત કર્યો હતો અને તેની સામે પગલાં લેવાની માગણી કરવામાં આવી હતી. ટ્વિટરના પ્રવક્તાએ બાદમાં જણાવ્યું કે, ઓફ્ફલાઈન અંધાધૂંધી ફેલાવી શકે એવી વર્તણૂક સામે કડક પગલાં લેવાની બાબતમાં અમે સ્પષ્ટ છીએ. આ ચોક્કસ એકાઉન્ટ (કંગનાનાં) દ્વારા ટ્વિટર નિયમો, ખાસ કરીને ઝનૂનપ્રેરિત અને ગાળગલોચવાળી વર્તણૂક વિરુદ્ધની અમારી નીતિનો સતત ભંગ કરવામાં આવતાં એને કાયમ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.
દરમિયાન, કંગનાએ કહ્યું છે કે ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ થવાથી એને કોઈ ફરક પડતો નથી. ‘મારો અવાજ ઉઠાવવા માટે ઉપયોગમાં લઈ શકાય એવા ઘણા પ્લેટફોર્મ્સ છે, જેમાંનું એક છે, સિનેમાના રૂપમાં મારી પોતાની કળા,’ એમ તેણે કહ્યું છે.