મુંબઈઃ બોલીવૂડ એક્ટર ઋત્વિક રોશનની ફિલ્મ ‘વોર-2’ની એના ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ગઈ વખતે ‘વોરે’ બોક્સ ઓફિસ પર રેકોર્ડસ તોડ્યા હતા અને રૂ. 300 કરોડથી વધુની કમાણી કરી હતી. ‘વોર-2’ એનાથી પણ વધુ કમાણી કરે એવી શક્યતા છે, કેમ કે દર્શકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખતાં ફિલ્મનું સ્તર ઓર વધારી દેવામાં આવ્યું છે. આ વખતે સાઉથના સુપરસ્ટાર એનટીઆરને પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યો છે. જેથી આ ફિલ્મ માટે ફેન્સની આતુરતા વધી ગઈ છે.
જોકે એ સ્પષ્ટ નથી કે જુનિયર એનટીઆર ફિલ્મમાં ઋત્વિક રોશનની સાથે છે અથવા તેની વિરુદ્ધ વિલનની ભૂમિકામાં છે, પણ અહેવાલ મુજબ જુનિયર એનટીઆર આ ફિલ્મમાં વિલનના રોલમાં આવવાનો છે. ફાઇનલ સ્ક્રિપ્ટ હજી વિકસિત કરવામાં આવી રહી છે. ‘વોર-2’માં જુનિયર એનટીઆરની ભૂમિકામાં કેટલાક નકારાત્મક પહેલુ હશે. જે પૂરી વાર્તાને એક રસપ્રદ રીતે જોડી દેશે.
એક્ટર પોતે વિવિધ એક્સપ્રેશનની સાથે પ્રયોગ કરવા માટે એક્સાઇટેડ છે. એ સિવાય ઋત્વિક અને જુનિયર એનટીઆર ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા પહેલાં ભૂમિકામાં ઢળવા માટે અયાન સાથે કેટલીય રીડિંગ સેશન પણ કરશે. જે લોકો આ પ્રોજેક્ટ પર છે, તેઓ એ જોવા આતુર અને ઉત્સાહિત છે કે એ કેવી રીતે આકાર લે છે. આ વખતે ‘વોર-2’નું ‘બ્રહ્માસ્ત્ર’ના ડિરેક્ટર અયાન મુખરજી કરી રહ્યા છે.