લોસ એન્જેલીસ/તિરુવનંતપુરમ: આ વર્ષના પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડ માટે બે ભારતીય ફિલ્મને આગળની યાદીમાં સામેલ કરવામાં આવી છે. આ ફિલ્મો છેઃ વિવાદાસ્પદ તામિલ ફિલ્મ ‘જય ભીમ’ અને મલયાલમ ફિલ્મ ‘મરક્કરઃ લાયન ઓફ ધ અરેબિયન સી’. ‘જય ભીમ’નો હિરો છે ‘સિંઘમ’ ફેમ સૂર્યા અને ‘મરક્કર’માં મુખ્ય નાયક છે મોહનલાલ. આ વર્ષના ઓસ્કર એવોર્ડ્સ માટે 276 ફિલ્મોને પાત્રતાના આધારે યાદીમાં સામેલ કરવામાં આવી છે. નામાંકનો માટે મતદાનનો આરંભ 27 જાન્યુઆરીથી કરાશે, જે મંગળવાર 1 ફેબ્રુઆરી સુધી ચાલશે. 94મા એકેડેમી એવોર્ડ્સ માટે નામાંકનોની જાહેરાત આવતી 8 ફેબ્રુઆરીએ કરાશે. એવોર્ડ કાર્યક્રમ 27 માર્ચના રવિવારે હોલિવુડમાં ડોલ્બી થિયેટર ખાતે યોજાશે. કાર્યક્રમનું અમેરિકન નેટવર્ક એબીસી તથા દુનિયાભરમાં 200થી વધારે સ્થળે ટીવી પ્રસારણ કરાશે.
સાઉથના સુપરસ્ટાર સૂર્યાની ‘જય ભીમ’ 2021ની સૌથી લોકપ્રિય તામિલ ફિલ્મ હતી. એમાં સૂર્યાએ વકીલ ચંદ્રૂનો રોલ કર્યો છે. અન્ય કલાકારો છેઃ લીઝો મોલ, પ્રકાશ રાજ, રાવ રમેશ. ફિલ્મના દિગ્દર્શક અને પટકથા લેખક ટી.જે. જ્ઞાનવેલ છે. ફિલ્મનું નિર્માણ સૂર્યાની પ્રોડક્શન કંપની 2D એન્ટરટેનમેન્ટે કર્યું હતું. ‘જય ફિલ્મ’ એમેઝોન પ્રાઈમ વિડિયો પર ઉપલબ્ધ છે.