બોલીવૂડ અભિનેતા ઈરફાન ખાનનું અવસાન

મુંબઈઃ હિન્દી ફિલ્મોના લોકપ્રિય અભિનેતા ઈરફાન ખાનનું આજે અહીંની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં અવસાન થયું છે.

ઈરફાન ખાન આંતરડામાં લાગેલા ચેપની તકલીફ માટે અંધેરી (વેસ્ટ)સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.

એમની વય 54 વર્ષ હતી.

તેઓ 2018થી હાઈ ગ્રેડ ન્યૂરોએન્ડોક્રાઈન કેન્સરની બીમારી સામે પણ ઝઝૂમી રહ્યા હતા. એની સારવાર લેવા માટે તેઓ વિદેશ ગયા હતા. સારવારથી સારું થયા બાદ તેઓ મુંબઈ પાછા ફર્યા હતા. એમના નિધનના સમાચારને એમના સત્તાવાર પ્રવક્તાએ સમર્થન આપ્યું હતું. એમના નિધનથી બોલીવૂડમાં અને ઈરફાનના પ્રશંસકોમાં શોકની લાગણી ફરી વળી છે.

હજી થોડા જ દિવસો પહેલાં ઈરફાન ખાનના માતા સઈદા બેગમનું જયપુરમાં 95 વર્ષની વયે નિધન થયું હતું. પોતાની નાદુરસ્ત તબિયત અને લોકડાઉનને કારણે તેઓ જયપુર જઈ શક્યા નહોતા. કહેવાય છે કે માતાના નિધનનો આઘાત એમને ખૂબ વસમો લાગ્યો હતો અને મોટા આંતરડામાં ચેપ પણ ગંભીર પ્રકારનો હતો.

ફિલ્મ નિર્માતા સુજીત સરકારે ઈરફાન ખાનના નિધનના સમર્થન બાદ સમાચાર પોતાના ટ્વિટર હેન્ડલ પર મૂક્યા હતા.

ઈરફાન ખાનની આખરી ફિલ્મ હતી ‘અંગ્રેજી મિડિયમ’, જે કોરોના લોકડાઉન લાગુ થયાના થોડા જ દિવસો પહેલાં રિલીઝ કરાઈ હતી. એમાં ઈરફાને એક ભોળા પિતાનો રોલ કર્યો છે, જે એની પુત્રીને ઉચ્ચ શિક્ષણ અપાવવા માટે સંજોગોમાં સામે લડે છે. લોકડાઉનને કારણે ‘અંગ્રેજી મિડિયમ’ને થિયેટરોમાં દર્શાવવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું અને ત્યારબાદ એને OTT (ઓવર-ધ-ટોપ) પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવી હતી.

ઈરફાન ખાનના અભિનય માટે જાણીતી થયેલી ફિલ્મોમાં ‘મકબૂલ’, ‘પિકુ’, ‘પાનસિંહ તોમર’, ‘હિન્દી મિડિયમ’નો પણ ઉલ્લેખ કરવો પડે. ‘પાનસિંહ તોમર’ ફિલ્મની ભૂમિકા માટે તો એમને રાષ્ટ્રીય એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.

ઈરફાને ‘સ્લમડોગ મિલિયોનેર’, ‘ઈન્ફર્નો’, ‘લાઈફ ઓફ પાઈ’ જેવી હોલીવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

ઈરફાનના પરિવારમાં એમના પત્ની સુતાપા સિકદર, બે પુત્ર છે – બાબિલ ખાન અને અયાન ખાન.

ઈરફાનની બે ભાઈ અને એક બહેન પણ છે.

ઈરફાનનો જન્મ રાજસ્થાનના ટોંક જિલ્લામાં યાસીન ખાન-સઈદા બેગમના પઠાણ મુસ્લિમ પરિવારમાં થયો હતો.

ઈરફાનનું પૂરું નામ હતું સાહબઝાદે ઈરફાન અલી ખાન.

અંધેરીના વર્સોવા કબ્રસ્તાનમાં કરાયા સુપુર્દ-એ-ખાક

ઈરફાન ખાનના પાર્થિવ શરીરને એમના ઘેર લઈ જવામાં નહોતું આવ્યું પણ સીધું અંધેરી (વેસ્ટ)ના વર્સોવા યારી રોડ વિસ્તારસ્થિત કબ્રસ્તાનમાં લઈ જવામાં આવ્યું હતું. ત્યાં બપોરે લગભગ 3 વાગ્યાના સુમારે એમને સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. એ વખતે એમના પરિવારજનો તથા અમુક નિકટના મિત્રો હાજર રહ્યા હતા.