મુંબઈઃ પહેલાં એક જ ભાષામાં ફિલ્મ બનતી અને એ જ ભાષામાં થિયેટરમાં રિલીઝ થઈ જતી. એ પછી વિવિધ ભાષામાં ફિલ્મોનો દોર શરૂ થયો, જેથી હવે ફિલ્મો એકથી વધુ ભારતીય ભાષાઓમાં બની રહી છે. OTT પર ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને OTTને સહારે ભારતીય પ્રાદેશિક ફિલ્મો અંગ્રેજી સિવાય અને વૈશ્વિક ભાષાઓમાં ડબ થઈને વિશ્વવરના દર્શકો સુધી પહોંચી રહી છે. એનું તાજું ઉદાહરણ છે, સાઉથ સુપરસ્ટાર ધનુષની ફિલ્મ ‘જગમે થંડીરામ’. નેટફ્લિક્સ પર આવેલી એ ફિલ્મ કેટલીક ભાષાઓમાં ડબ કરવામાં આવી છે. યુરોપ અને આફ્રિકાના દેશોમાં ખૂબ જોવાઈ અને વખાણવામાં આવી છે.
હિન્દી, તમિળ અને મલયાલમ સહિત ભારતીય ભાષાઓની ફિલ્મો માટે ઓવરસીઝ માર્કેટ બહુ મોટું છે. ઓવરસીઝ રિલીઝમાં ટાર્ગેટ ઓડિયન્સ માત્ર વિદેશમાં વસતા ભારતીય હોય છે. હિન્દી ફિલ્મો અમેરિકાથી માંડીને ઓસ્ટ્રેલિયા સુધી જોવાય છે. મલયાલમ ફિલ્મ UAEમાં, તમિળ ફિલ્મ સિંગાપુરમાં હિટ થાય છે. ભારતની હિન્દી અને અન્ય ભાષાઓની ફિલ્મો અંગ્રેજી સિવાય ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગલી, તુર્કીશ, કોરિયન અને અન્ય ભાષાઓમાં પહોંચી રહી છે.
નેટફ્લિક્સ ઇન્ડિયાની કન્ટેન્ટ એન્ડ એક્વિઝિશન ડિરેક્ટર પ્રતીક્ષા રાવે કહ્યું હતું કે અમારું પ્લેટફોર્મ 190 દેશોમાં છે. અમે એક ભાષાની ફિલ્મને પસંદ કરીને એને બહુબધી ભાષામાં ડબિંગ અને સબટાઇટલની મદદથી રજૂ કરીએ છીએ.
‘જગમે થંડીરામ’નું પ્રીમિયર નેટફ્લિક્સ પર થયું હતું. એસ.એસ. રાજમૌલીની ફિલ્મ ‘RRR’ પહેલાં થિયેટરમાં રિલીઝ થશે, એ પછી એ ફિલ્મનો પોર્ટુગલ, સ્પેનિશ, તુર્કીશ અને કોરિયનમાં રિલીઝ કરવાના રાઇટ્સ નેટફ્લિક્સે ખરીદી લીધા છે.