જૂના ગીતોના આડેધડ રીમિક્સથી ભડક્યા ગીતકારો

નવી દિલ્હીઃ અત્યારે નવા સિંગર્સ બોલીવુડના જૂના ગીતોના રીમિક્સ બનાવી રહ્યા છે. આ ટ્રેન્ડ ભારતમાં અત્યારે ખૂબ ચાલી રહ્યો છે. જો કે આમ જોવા જઈએ તો જૂના ગીતોને નવા મ્યૂઝીક સાથે રજૂ કરવા તે કંઈ ખોટી વાત ન કહેવાય પણ એને જૂના સંગીત સાથે કરવામાં આવેલો અન્યાય પણ કહેવાય.

અત્યારે નવા નવા સિંગર્સ આવું ખૂબ કરી રહ્યા છે. ત્યારે ઓરિજનલ લેખક અને ગાયકો આ વાતને લઈને નારાજ થયા છે. પહેલા એ.આર.રહેમાન અને પ્રસૂન જોશીનું નિવેદન સામે આવ્યું અને હવે સમીર અંજાને પણ આ મામલે કોર્ટમાં જવાની વાત કરી છે.

કુછ-કુછ હોતા હે, રાજા હિંદુસ્તાની અને કભી ખુશી કભી ગમ જેવી હિટ ફિલ્મોના ગીત લખી ચૂકેલા ગીતકાર સમીર અજાને કહ્યું કે એ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે ઓરિજનલ લેખકો અને સંગીતકારોને યોગ્ય રીતે શ્રેય આપવામાં આવી રહ્યો નથી. આ મામલાનું સમાધાન માત્ર કોર્ટમાં જઈને જ લાવી શકાય તેમ છે. તેમણે આ મામલે ગીતકાર અને લેખક જાવેદ અખ્તર સાથે વાત કરી. ઉલ્લેખનીય છે કે, જાવેદ ઈન્ડિયન પર્ફોર્મિંગ રાઈટ સોસાયટીના ચેરમેન છે.

સમીરે કહ્યું કે, જે થઈ રહ્યું છે તે તદ્દન અયોગ્ય છે. અમે આની વિરુદ્ધમાં છીએ અને કોર્ટમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છે. કારણ કે અમે તેમને કોઈ એક ફિલ્મ માટે રાઈટ્સ આપીએ છીએ. પરંતુ તે તેને ફરીથી બનાવે છે, ગીતનો ઉપયોગ બીજી ફિલ્મ અથવા પ્રોજેક્ટ માટે કરે છે. મેં જાવેદ અખ્તર સાથે વાત કરી છે અને અમે તમામ લોકો કોર્ટમાં જવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. આ એક પદ્ધતિ છે કે જેનાથી તેમને રોકી શકાશે.